અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. હરિકૃપા સોસાયટી દ્વારા આયોજિત આ યાત્રામાં ડીજે ટેમ્પાએ કચડી નાખતા પાંચ વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં ટેમ્પોના બિનઅનુભવી ચાલક અને ડીજેના માલિકની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રવિણ રમાકાંત સિંગની પાંચ વર્ષની દીકરી નવ્યા અન્ય બાળકો સાથે ડીજે ટેમ્પાની પાછળ નૃત્ય કરી રહી હતી. આ દરમિયાન ટેમ્પોના ચાલક ચિરાગ વ્યાસે અચાનક વાહન રિવર્સ લેતા નવ્યા ટેમ્પા નીચે આવી ગઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ અકસ્માતમાં અન્ય ત્રણ બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, ટેમ્પો ચલાવનાર ચિરાગ વ્યાસ પાસે ડ્રાઇવિંગનો કોઈ અનુભવ નહોતો. તેમ છતાં ડીજેના માલિક રાકેશ પટેલે તેને વાહન ચલાવવા આપ્યું હતું. આ બેદરકારી બદલ પોલીસે બંને આરોપીઓ, ચાલક ચિરાગ વ્યાસ અને માલિક રાકેશ પટેલ, વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમની ધરપકડ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

