મા આનંદમયી કન્યા વિદ્યાલયમાં બુધવારે જાથાના જયંત પંડ્યા અંધશ્રદ્ધાના ધતિંગો ખુલ્લા પાડશે; ચમત્કારિક પ્રયોગો પાછળનું વિજ્ઞાન લાઈવ શીખવવામાં આવશે
રાજકોટ,
ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધા નિવારણ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના ઉમદા હેતુ સાથે રાજકોટમાં એક ભવ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મા આનંદમયી કન્યા વિદ્યાલયમાં આ અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ૧૦,૦૭૨મો કાર્યક્રમ યોજાશે.
આ લોકજાગૃતિ કાર્યક્રમ બુધવાર, તા. ૩૧મી ડિસેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે હાઈસ્કૂલના મેદાનમાં યોજાશે. જેમાં શાળાની છાત્રાઓ અને વાલીઓને વિશેષ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા છે.

જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યા વ્હેમ, અંધશ્રદ્ધા અને કથિત ચમત્કારો પર ધારદાર વક્તવ્ય આપી વૈજ્ઞાનિક સમજ પૂરી પાડશે. આ સાથે સુરત સત્ય શોધક સભાના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ દેગામી અને ભારતીબેન દેગામી વિવિધ પ્રયોગોનું નિદર્શન કરશે.કાર્યક્રમમાં ભુવા-ભારાડીઓના ધતિંગો ખુલ્લા પાડવા માટે એકના ડબલ કરવા અને હાથમાંથી કંકુ-ભસ્મ કાઢવી, જીભની આરપાર ત્રિશુલ નાખવું અને લોહી કાઢવાની કળા, ધૂણવું, સવારી આવવી અને બોલતું તાવીજ જેવા ડિંડકો, શ્રીફળ પર બેસીને ફરવું અને સંમોહન (હિપ્નોટિઝમ), કાનેથી ચિઠ્ઠી વાંચવી અને ભુવાની સાંકળ મારવાની લીલાના પ્રયોગો લાઈવ કરી બતાવવામાં આવશે. આ તમામ પ્રયોગો પાછળ છુપાયેલું વિજ્ઞાન સમજાવીને સૌને શીખવાડી દેવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ છેતરાય નહીં.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. અલ્પનાબેન ત્રિવેદી, આચાર્યા લીનાબેન ત્રિવેદી અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે. આ પ્રસંગે સ્મિતાબેન મજેઠીયા, ભગવતીબેન ધાંધલ અને જાથાના અનેક કાર્યકરો હાજર રહેશે.

