ચિરંજીવીએ શનિવારે શેર કર્યું હતું કે ઉપાસના એક દીકરો અને એક દીકરી એમ ટ્વિન્સની માતા બની છે. તે સાથે જ ચાહકો તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો દ્વારા અભિનંદનનો વરસાદ થયો હતો. રામચરણ રવિવારે સવારે તેની બે વર્ષની દીકરી ક્લિન કારા સાથે હોસ્પિટલમાં પત્ની ઉપાસનાને મળવા પહોંચ્યો હતો. જોકે, હોસ્પિટલની બહાર તેની ઝલક નિહાળવા માટે હજારોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તમામ સલામતી વ્યવસ્થાઓ પડી ભાંગી હતી. રામચરણે પોતાના હાથોમાં નાની દીકરીને માંડ માંડ સાચવી હતી.

પોલીસ તથા સિક્યુરિટીએ ટોળાંને વિખેરવા જહેમત કરવી પડી હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો પણ વાયરલ થયો છે અને ઓનલાઈન યૂઝર્સએ ટોળાંની ચેષ્ટાને વખોડી કાઢી છે. લોકોએ જણાવ્યું હતું કે તાજેતરમાં એકથી વધુ સેલિબ્રિટીઓ ટોળાંની આવી હરકતોનો ભોગ બની ચૂક્યા છે. પછી કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે દોષનો ટોપલો સેલિબ્રિટીને માથે ઓઢાડવામાં આવે છે.
