અમદાવાદમાં આ વખતે યોજાયેલો ફ્લાવર શો એક તબક્કે ફ્લોપ શો સાબિત થયો છે. ગત વર્ષની સરખામણીએ બે કરોડ રૂપિયા વધારે ખર્ચીને દિવસો લંબાવ્યા હોવા છતાં બે લાખ મુલાકાતી ઓછા આવ્યા છે. ત્યારે આ ફ્લોપ શો પર ઢાંકપીછોડો કરવા માટે હવે ફ્લાવર શોના ફૂલ-છોડ અધિકારીઓએ વેચવા કાઢ્યાં છે. તેનાથી પણ આગળ વિચારીને વેચાણના નિર્ણયને લોકોનો નબળો પ્રતિસાદ મળે તો આ ફૂલ-છોડ કાઉન્સિલરો અને અધિકારીઓના આંગણામાં રોપવાનું જડબેસલાક આયોજન કરી લેવાયું છે. પ્રજાના પૈસે ખરીદાયેલા આ ફૂલછોડથી હવે પદાધિકારીઓને ખુશ કરાશે.

મ્યુનિસિપલએ છોડવા વેચવા કાઢ્યાં
અમદાવાદ શહેરમાં આ વખતેનો ફ્લાવર શો શરૂઆતથી જ વિવાદનું કેન્દ્ર રહ્યો હતો. 17 કરોડ રૂપિયાના ખર્ચે 29 દિવસ ચાલેલા આ શોમાં 48 પ્રજાતિના 10 લાખથી વધુ ફૂલ-છોડ રાખવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો. ફ્લાવર શો નિહાળવા માત્ર 11 લાખ જેટલા લોકો જ આવ્યા હતા. ફ્લાવર શો પૂરો થયા બાદ હવે ફૂલ-છોડ મ્યુનિસિપલના બગીચાઓ અને ડિવાઈડરોમાં ગોઠવી દેવામાં આવ્યા છે. ફ્લાવર શો ટીકાનું કેન્દ્ર બનતા હવે અધિકારીઓ દ્વારા ફૂલ-છોડ વેચીને થોડી-ઘણી આવક રળી પોતાની નિષ્ફળતા છૂપાવવાનું નક્કી કરાયું છે. શહેરની મ્યુનિસિપલ સંચાલિત જુદા જુદા વિસ્તારની ચાર નર્સરીઓ પરથી ફૂલ-છોડનું વેચાણ શરૂ કરાયું છે. જેના માટે 6 રૂપિયાથી માંડીને 235 રૂપિયા પ્રતિછોડ કિંમત નક્કી કરવામાં આવી છે. વધારે જથ્થામાં છોડ લઈ જનાર વ્યક્તિને ભાવ ઘટાડી આપવામાં આવશે. એક એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે, જો આ વેચાણને નબળો પ્રતિસાદ મળે તો આગામી દિવસોમાં શહેરના 191 કાઉન્સિલરો તથા મ્યુનિસિપલના વર્ગ 1થી 3ના અધિકારીઓના ઘરે આંગણામાં આ ફૂલ-છોડ રોપી દેવામાં આવશે. અલબત, સામે આવતી હકીકત અનુસાર છોડવાના વેચાણ અને તેનાથી આગળના આયોજન વિશે ખુદ મ્યુનિસિપલના શાસકો પણ અજાણ છે.
આ સ્થળે ફ્લાવર શોના રોપા વેચાશે
•રસાલા નર્સરી, લો ગાર્ડન બીઆરટીએસ સ્ટેન્ડ સામે
•સૌરભ નર્સરી, મેમનગર ફાયર સ્ટેશન સામે
•વિશ્વકર્મા નર્સરી, વિશ્વકર્મા કોલેજ પાછળ, ચાંદખેડા
•સાયન્સ સિટી નર્સરી, કેનાલ રોડ, ગોતા
