સુરેશ ભાલીયા જેતપુર,
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઝીરો ટોલરન્સ ની નીતિ અપનાવવામાં આવી છે. આ અંતર્ગત રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તેમજ જેતપુરના નાયબ પોલીસ અધીક્ષક આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિર અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે આવેલા મેલડીમાના મંદિર પાસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન જાહેરમાં ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રૂપિયા ૧૦,૪૨૦ ની રોકડ રકમ તથા ૫૨ નંગ ગંજીપત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં કાંતિભાઇ શામજીભાઇ પરમાર, બાબુભાઇ ગીગાભાઇ મકવાણા, ચેતનભાઇ નાથાભાઇ અજાણા, અને મેરામભાઇ રણછોડભાઇ મકવાણા, (રહે તમામ થાણાગાલોલ, તા.જેતપુર,) નો સમાવેશ થાય છે. પોલીસે તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પીઆઈ એમ.એલ. આહિર સાથે એએસઆઈ ભુરાભાઇ માલીવાડ, સુમીતભાઇ પરમાર, યુએચસી નીશાંતભાઇ પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ પ્રધુમનસિંહ વાઘેલા, હાર્દિકસિંહ ચુડાસમા અને દિપકભાઇ રાઠોડ જોડાયા હતા.

