ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે અને વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે. વિકાસની વાતો વચ્ચે ભાવનગર શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ છે. હવે આગામી દિવસોમાં ઇ-બસ સેવા શરૂ કરવામાં આવશે પરંતુ તેમાં પણ વિલંબ થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

શહેરમાં પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ આશરે એક માસથી ૪૦ ઇ-બસ આવી ગઈ છે છતાં હજુ મહાપાલિકા દ્વારા ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી નથી તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સિટી બસ સેવા કયારે શરૂ થશે ? તેને લઈ લોકો પુછપરછ કરી રહ્યા છે પરંતુ મહાપાલિકા દ્વારા હજુ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. ૪૦ ઇ-બસ હાલ શહેરના ટોપ થ્રી ખાતે આવેલા સિટી બસ ડેપો ખાતે ધૂળ ખાઈ રહી છે અને ઉદઘાટનની રાહ જોવાય રહી છે. આગામી તા. ૧૪ ફેબુ્રઆરીએ ઉદઘાટન બાદ ઇ-બસ સેવા શરૂ કરાશે તેમ આજે સોમવારે મહાપાલિકાના જવાબદાર અધિકારીએ દાવો કરતા જણાવેલ છે. મહાપાલિકા દ્વારા ઇ-બસ સેવા શરૂ કરવામાં વિલંબ થયો છે અને ઇ-બસ સેવા શરૂ કરવાની તારીખોના વાયદા અગાઉ વારંવાર ખોટા પડયા છે ત્યારે લોકોમાં કચવાટ ફેલાયો છે. ઇ-બસ સેવા ઝડપથી શરૂ કરવા લોકો માંગણી કરી રહ્યા છે. ભાજપના રાજમાં ભાવનગર શહેરમાં છેલ્લા ૯ માસ કરતા વધુ સમયથી સિટી બસ સેવા બંધ છે તેથી મુસાફરો ત્રાહિમામ છે. સિટી બસ સેવા લાંબા સમયથી બંધ હોવાથી લોકોને ના છૂટકે રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે ત્યારે તત્કાલ સિટી બસ સેવા શરૂ કરવી જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
વડાપ્રધાનના હસ્તે ઇ-બસ સેવા શરૂ કરાશે
ભાવનગર મહાપાલિકા દ્વારા ભારતના વડાપ્રધાનના હસ્તે પીએમ ઇ-બસ સેવા શરૂ કરવા તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા. ૧૪ ફેબુ્રઆરીએ વર્ચ્યુઅલ કાર્યક્રમ રાખવામાં આવશે અને ભાવનગર સહિતના શહેરોમાં પીએમ ઇ-બસ સેવા શરૂ કરાશે તેમ સુત્રોએ જણાવેલ છે.

