ફ્લીપ કાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઇન સાઇટ પરથી આઇફોન અને સેમસંગના ફોન ઓર્ડર કર્યા બાદ પાર્સલને ખાસ ટેકનીકથી ખોલીને અસલી મોબાઇલ ફોન ચોરી કરીને તેના બદલે ફોનના બોક્સમાં ડમી મોબાઇલ ફોન મુકીને લાખો રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ઉચાપત કરવાના મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચે પાંચ આરોપીઓેને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી આઠ મોબાઇલ ફોન, ૨૫ ડમી મોબાઇલ ફોન, ડમી ગેમ પ્રોસેસર, હેર ડઇર અને પાર્સલ ખોલવા માટેના ખાસ લિક્વીડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરના નરોડામાં આવેલા એક લોજીસ્ટીક હાઉસમાંથી ફ્લીપ કાર્ટના પાર્સલમાંથી આઇફોન, સેમસંગના ફોનની ચોરી કરીને તેમાં નકલી ફોન મુકીને છેતરપિંડી કરવાના મામલે ક્રાઇમબ્રાંચે હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

જેમાં રામલાલ ગેહલોત (રહે. શાસ્ત્રીનગર, ઝાલોર), મનોજ માલી (રહે.એફસીઆઇ કોલોની, ઝાલોર), ભરત માલી (રહે.એફસીઆઇ કોલોની, ઝાલોર), વિશાલ પંચાલ (રહે.હરીકૃષ્ણ એપાર્ટમેન્ટ, કતારગામ, સુરત) અને વિશાલ બાવરી (રહે. નોબલનગર, અમદાવાદ)ને ઝડપીને તેમની પાસેથી આઠ મોબાઇલ ફોન, ૨૫ ડમી મોબાઇલ ફોન, ૩ ડમી ઇયર બડ, ૧૨ ડમી ગેમ પ્રોસેસર, કેમેરા લેન્સ, હેર ડઇર, ગ્લુ રિમુવર લિક્વીડની ત્રણ બોટલ, ઇન્જેક્શન, પ્લાસ્ટીક રોલ અને એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ઢોલાએ વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ઝાલોરમાં રહેતા રામલાલ, મનોજ માલી અને ભરત માલી મુખ્ય માસ્ટર માઇન્ડ હતા. જે એમેઝોન અને ફ્લીપ કાર્ટ જેવી ઓનલાઇન સાઇટ પરથી કિંમતી આઇફોન અને સેમસંગ કે અન્ય કિંમતી ચીજવસ્તુઓનો ઓર્ડર બનાવટી સરનામે કરાવીને તે પાર્સલને ગ્લુ રિમુવર લીક્વીડની મદદથી ખોલીને તેમાંથી ફોનનું બોક્સ ખોલ્યા બાદ અસલી ફોનને કાઢીને તેમાં ડમી ફોન મુકીને ફરીથી પ્લાસ્ટીક લગાવીને પેક કરીને પાર્સલને પહેલા જેવું બનાવીને ઓર્ડર કેન્સલ કરીેને પાર્સલને પરત મોકલી આપતા હતા. આમ, આ મોડ્સ ઓપરેન્ડીથી સુરત, ઝાલોર અને વડોદરામાં લાખો રૂપિયાની કિંમતના ૫૦થી વધુ મોબાઇલ ફોનની ચોરી કરી હતી. જે અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.

