મધ્ય ગુજરાત વીજ કંપનીના વિજિલન્સ વિભાગ દ્વારા આજે ફરી એક વખત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દરોડા પાડીને ૨૫.૩૭ લાખ રુપિયાની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપી પાડવામાં આવી હતી.

દરમિયાન આજે પણ પાણીગેટ અને માંડવી સબ ડિવિઝન હેઠળના બાવામાનપુરા, નૂરાની મસ્જિદ, બાવચાવાડ, રાજપુરાની પોળ, મોગલવાડા, જમનાબાઈ હોસ્પિટલ પાછળ, ગેંડા ફળિયા, પટેલ ફળિયા, દૂધવાળા મહોલ્લા, છીપવાડ, સરસિયા તળાવ વિસ્તારોમાં ૨૪ ટીમો દ્વારા ૮૭૨ વીજ જોડાણોની તપાસ હાથ ધરાઈ હતી.જેમાં ૨૫ જોડાણમાં વીજ ચોરી અને ૬ જોડાણમા ગેરરીતિ પકડાઈ હતી.આ ચેકિંગ દરમિયાન ૧૦ મીટર શંકાસ્પદ જણાતા તેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, આ વીજ મીટરની સર્કિટમાં રેઝિસ્ટર લગાવવામાં આવ્યા હોવાની આશંકા છે.આ પહેલા દાહોદમાં આ રીતે થતી કરોડો રુપિયાની વીજ ચોરી પકડાઈ છે.એ પછી વડોદરામાં પણ આ પ્રકારની વીજ ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે.રેઝિસ્ટર લગાવવાના કારણે મીટર ધીમુ થઈ જાય છે અને વીજ યુનિટ ઓછા નોંધાય છે.આ મીટરની લેબોરેટરીમાં તપાસ બાદ વધુ જાણકારી સામે આવશે.ઉલ્લેખનીય છે કે,આ વિસ્તારોમાં છેલ્લા ત્રણ મહિનાથી વીજ કંપનીની ટીમો સંખ્યાબંધ વખત ચેકિંગ હાથ ધરી ચૂકી છે.દર વખતે લાખો રુપિયાની વીજ ચોરી પણ ઝડપાય છે.જોકે, વીજ ચોરી રોકવાનો ઉપાય વીજ કંપનીઓના અધિકારીઓને હજી સુધી મળ્યો નથી.
