બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. આ દરમિયાન પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી ‘આવામી લીગ’ના વરિષ્ઠ હિન્દુ નેતા રમેશ ચંદ્ર સેનનું જેલમાં શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું છે, જેના કારણે જેલ પ્રશાસન અને સારવારની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

કોણ હતા રમેશ ચંદ્ર સેન?
30 એપ્રિલ 1940ના રોજ જન્મેલા રમેશ ચંદ્ર સેન આવામી લીગના દિગ્ગજ નેતા અને ઠાકુરગાંવ બેઠક પરથી અનેક વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2024ની વિવાદાસ્પદ ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક પર વિજય મેળવ્યો હતો. જોકે, હસીના સરકારના પતન બાદ 16 ઓગસ્ટ 2024ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર હત્યા અને રાજકીય હિંસા જેવા ગંભીર કેસો દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પાર્ટી ‘આવામી લીગ’ને હાલમાં ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં સળગી રહી છે હિંસાની આગ
ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં ફરી એકવાર લોહીયાળ જંગ જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણપંથી ‘ઇન્કલાબ મંચ’ના નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યાના વિરોધમાં દેખાવકારોએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના નિવાસસ્થાન પાસે બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. દેખાવકારોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ, વોટર કેનન અને સાઉન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરવો પડ્યો હતો, જેમાં 50થી વધુ કાર્યકરો ઘાયલ થયા છે.
ચૂંટણી પહેલા તણાવપૂર્ણ સ્થિતિ
12 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે બાંગ્લાદેશમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરવામાં આવી છે, પરંતુ રમેશ ચંદ્ર સેન જેવા વરિષ્ઠ હિન્દુ નેતાના જેલમાં થયેલા મૃત્યુએ અલ્પસંખ્યકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. વહીવટીતંત્રનું કહેવું છે કે તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે, પરંતુ વિપક્ષો આને રાજકીય ષડયંત્ર ગણાવી રહ્યા છે.

