સાણંદમાં આંગડીયા પેઢીમાં કામ કરતા કર્મચારીને નિશાન બનાવી ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. ગિબપુરા ગામ પાસે કર્મચારીના સ્કૂટરને લાત મારી નીચે પાડી દઈ, અંદાજે ૨૧ લાખ રૃપિયાની રોકડ અને બે મોબાઈલ ભરેલો થેલો આંચકી લૂંટારુઓ ફરાર થઈ ગયા છે. આ મામલે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધકતો દોર શરૃ કર્યો છે.

ફરિયાદી ફારૃકભાઈ મજીદભાઈ ગનીયાણી સાણંદ ખાતે આવેલી ‘પી.એમ. એન્ટરપ્રાઈઝ’ (આંગડીયા પેઢી) માં નોકરી કરે છે. ગત તા. ૦૯/૦૨/૨૦૨૬, સોમવારના રોજ સાંજે ઓફિસનું કામ પતાવી તેઓ રૃ.૨૦,૯૭,૬૯૦ ની રોકડ રકમ અને બે મોબાઈલ ફોન કાળા કલરના થેલામાં ભરીને પોતાનું એક્સેસ સ્કૂટર લઈને સરખેજ ઓફિસ જવા નીકળ્યા હતા.માર્ગમાં સાણંદ-સરખેજ હાઈવે પર ગિબપુરા ગામથી ૧૦૦ મીટર દૂર જ્યારે તેઓ ફોન પર વાત કરવા માટે સ્કૂટર ધીમું પાડયું, ત્યારે પાછળથી એક મોટરસાયકલ પર ત્રણ સવારી શખ્સો ધસી આવ્યા હતા. લૂંટારુઓએ ચાલુ સ્કૂટરે લાત મારી ફારૃકભાઈને નીચે પાડી દીધા હતા અને તેમની પાસે રહેલો થેલો આંચકી લીધો હતો.
ભોગ બનનારના જણાવ્યા મુજબ, લૂંટારુઓની ઉંમર આશરે ૩૦થી ૩૫ વર્ષની હતી. બાઇક ચલાવનાર શખ્સે હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સોએ મોઢા ઢાંકેલા હતા. લૂંટ બાદ આરોપીઓ સરખેજ તરફ નાસી છૂટયા હતા.
ઘટનાની જાણ થતાં જ આંગડીયા પેઢીના માલિક પૃથ્વીરાજસિંહ ચાવડા અને અમીનભાઈ ગેલેરીયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરી હતી. હાલ સાણંદ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી લૂંટારુઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

