ભારતની અડગ આસ્થા, સાહસ અને સ્વાભિમાનનું પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ કલા અને સંસ્કૃતિના દ્વારા આરાધનાના અલૌકિક ‘સોમનાથ મહોત્સવ’ને ખૂલ્લો મૂકતાં પહેલા ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોએ ‘સંગમ આરતી’ કરી હતી.

હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે, તેવા અરબી સમુદ્રના ત્રિવેણી સંગમ સ્થળ પર સાંસદ સહિતના મહાનુભાવોએ આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ‘સંગમ આરતી’ કરી હતી.
સોમપુરા તીર્થ પુરોહિતોની વેદની ઋચાઓના ગાન સાથે ત્રિવેણી ઘાટ પરનો માહોલ સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતાના રંગે રંગાયો હતો.
આ સંગમ આરતીમાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની, ગુજરાત ટૂરીઝમ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રભવ જોશી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન શ્રી રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસવડા શ્રી જયદિપસિંહ જાડેજા, શ્રી ઝવેરીભાઇ ઠકરાર સહિતના અગ્રણીઓ, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

