TECHNOLOGY : શ્વાસ વગર જીવવું હવે શક્ય? વૈજ્ઞાનિકોની નવી શોધ લોકોને ચોંકાવશે…

0
13
meetarticle

કોઈ પણ વ્યક્તિ શ્વાસ લીધા વગર જીવી શકે એ માનવામાં નથી આવતું, પરંતુ હવે એ શક્ય બની રહ્યું છે. અહીં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી ચાલી રહી. આ એક હકીકત બનવા જઈ રહ્યું છે. અમેરિકાની બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલના વૈજ્ઞાનિકો દ્વારા એક નવી શોધ કરવામાં આવી છે. આ શોધમાં ઇન્જેક્શન મૂકતા ઓક્સિજન સીધું બ્લડમાં પહોંચી જાય છે. કોઈ વ્યક્તિના ફેફસા જો કામ કરતાં બંધ થઈ જાય તો આ ઇન્જેક્શનની મદદથી 15-30 મિનિટ સુધી ઓક્સિજનની સપ્લાય કરી શકાય છે. આ શોધ હવે ઇમરજન્સી મેડિકલ સાયન્સને બદલી શકે છે. જોકે શ્વાસ વગર હંમેશાં માટે જીવવા માટે આ શોધ કરવામાં નથી આવી.

શું છે આ નવી શોધ અને કેવી રીતે કામ કરે છે?

આ એક સ્પેશ્યલ લિક્વિડ ફોમ છે જેને માઇક્રોબબલ્સ પણ કહી શકાય છે. એમાં ઘણાં નાના-નાના બબલ્સ હોય છે. આ બબલ્સમાં એકદમ શુદ્ધ ઓક્સિજન હોય છે. આ બબલ્સના બહારના ભાગમાં ફેટ જેવી લેયર (લિપિડ) હોય છે જે શરીરના સેલ્સ જેવા હોય છે એની સાથે ચીપકી રહે છે. ઇન્જેક્શન દ્વારા એને લોહીમાં આપવામાં આવે છે ત્યારે આ માઇક્રોબબલ્સ લોહીમાં ફરવાનું શરૂ કરે છે. ફરવાનું શરૂ કરતાં જ આ બબલ્સ ધીમે-ધીમે એમાં રહેલો ઓક્સિજન છોડે છે. એમાં શરીરના તમામ સેલ્સને સીધું ઓક્સિજન મળે છે અને એ પણ ફેફસાનો ઉપયોગ કર્યા વગર. પહેલાં આ ટેક્નિકમાં માઇક્રોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે બબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પહેલાં કરતાં વધુ સુરક્ષિત છે.

કેવા સમયે આ ઇન્જેક્શન કામ આવી શકે છે?

• કોઈ વ્યક્તિ ડૂબી ગયો હોય ત્યારે ઓક્સિજન પહોંચાડવા માટે એ કામ આવી શકે છે.

• અસ્થમાની તકલીફ હોય તો એનો અટેક આવે ત્યારે આ ઇન્જેક્શન આપી શકાય છે.

• ગળામાં કોઈ તકલીફ થઈ હોય અને શ્વાસ ન લેવાઈ રહ્યો હોય ત્યારે આ ટેક્નિક મદદરૂપ બની શકે છે.

• કોઈ વ્યક્તિને ખૂબ જ ગંભીર ઈજા થઈ હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય ત્યારે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી ડોક્ટરને 15-30 મિનિટ મળી શકે છે અને જે-તે વ્યક્તિને જીવ બચાવવામાં સફળતા મળી શકે છે.

પહેલાં કરવામાં આવેલી સ્ટડી

આ શોધ ડોક્ટર જોન ખેયર અને તેમની ટીમનો હતો. તેમણે પહેલી વાર 2012માં આ સ્ટડી કરી હતી. સાયન્સ ટ્રાન્સલેશન મેડિસિન જર્નલ 2012ના જૂનમાં ‘ઓક્સિજન ગેસ-ફિલ્ડ માઇક્રોપાર્ટિકલ્સ પ્રોવાઇડ ઇન્ટ્રાવેનીયસ ઓક્સિજન ડિલીવરી’ નામની તેમની સ્ટડી પબ્લિશ કરવામાં આવી હતી. એમાં લિપિડની મદદથી બનાવવામાં આવેલા માઇક્રોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાણીઓ પર જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમનામાં 15-30 મિનિટ સુધી ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો.

હાલની સ્ટડીમાં કરવામાં આવ્યો સુધારો

નેચર બાયોમેડિકલ ઇન્જિનિયરીંગ જર્નલ 2024ની નવેમ્બરમાં ‘સિસ્ટમેટિકલી ઇન્જેક્ટેડ ઓક્સિજન વિથિન રેપિડલી ડિસોલ્વિંગ માઇક્રોબબલ્સ ઇમ્પ્રૂવસ ધ આઉટકમ ઓફ સીવીયર હાઇપોક્ષેમિયા ઇન સ્વાઇન’ નામની સ્ટડી પબ્લિશ કરવામાં આવી છે. એમાં નવી ટેક્નિક એટલે કે માઇક્રોબબલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બબલ્સ ખૂબ જ ઝડપથી ગતિ કરે છે અને સારું અને સુરક્ષિત પરિણામ આપે છે. આ સ્ટડીને સૂઅર પર કરવામાં આવી હતી. ટેસ્ટમાં જાણવા મળ્યું કે ગંભીર ઓક્સિજનની તકલીફ હોય તેમને પણ બચાવી શકાય છે અને આ ટેક્નિક દ્વારા બ્રેઇન ડેમેજ થવાની શક્યતા પણ ઓછી થાય છે.

બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલની વેબસાઇટ પર પણ આ માહિતી અપડેટ છે. એમાં કહેવામાં આવ્યું છે કે આ ટેક્નિક પ્રી-ક્લિનિકલ સ્ટેજ પર છે અને એ સુરક્ષિત રીતે ઓક્સિજનને ડિલિવર કરે છે. અત્યાર સુધી હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં નથી આવી અને એને ફક્ત પ્રાણીઓ પર જ ટેસ્ટ કરવામાં આવી છે.

કેમ આ મહત્ત્વની શોધ છે?

દર વર્ષે લાખો લોકો શ્વાસની સમસ્યાથી મૃત્યુ પામે છે. આ ઇન્જેક્શન એમ્બ્યુલન્સ, હોસ્પિટલ અથવા તો યુદ્ધના સમયે લોકોના જીવ બચાવવાનું કામ કરી શકે છે. સ્પેસ મિશનમાં પણ એ ઉપયોગી સાબિત થઈ શકે છે જ્યાં ઓક્સિજનની કમી હોય છે. જોકે આ હંમેશાં માટેની કોઈ શોધ નથી. આ ઇન્જેક્શન દ્વારા ફક્ત થોડી મિનિટ મળે છે જેમાં ડોક્ટર વ્યક્તિનો જીવ બચાવી શકે છે.

શું આવી શકે છે મુશ્કેલીઓ?

આ માટેની હજી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં નથી આવી અને એથી જ મનુષ્ય પર એનો ઉપયોગ નહીં કરી શકાય. એમાં સાઇડ ઇફેક્ટનું પણ જોખમ રહેલું છે. બ્લડ ક્લોટ થવાની સંભાવના વધી શકે છે. વૈજ્ઞાનિકો એને વધુને વધુ સુરક્ષિત બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. એ દેખાડે છે કે સાયન્સ કેવી રીતે લોકોને બચાવવા માટેના નવા રસ્તાઓ ખોલી રહ્યું છે. જોકે શ્વાસ વગર જીવિત રહેવું ફક્ત થોડી મિનિટ માટે છે નહીં કે હંમેશાં માટે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here