વકીલોને એઆઇની મદદથી કોર્ટના ડ્રાફ્ટ તૈયાર કરવા ભારે પડી શકે છે, કેમ કે એઆઇ ડ્રાફ્ટમાં ફેક ચુકાદાનો ઉલ્લેખ કરી રહ્યું હોવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જેને પગલે દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પણ ચિંતા વ્યક્ત કરી છે.

રુપ રેખા વર્મા નામની એક મહિલા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરાઇ હતી, જેમાં રાજનેતાઓના ભાષણો માટે ગાઇડલાઇન્સ જાહેર કરવાની માગ કરાઇ હતી. આ પીઆઇએલની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ બી. વી. નાગરત્ના, જોયમાલ્યા બાગ્ચી દ્વારા કરાઇ હતી. દરમિયાન ન્યાયાધીશ નાગરત્નાએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે તાજેતરમાં મર્સી-મેનકાઇન્ડ જેવા ચુકાદાનો ઉલ્લેખ મારી સામે આવ્યો હતો જેનું કોઇ અસ્તિત્વ જ નથી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે મને પણ આવો અનુભવ થયો, જસ્ટિસ દિપાંકરની કોર્ટમાં એક નહીં પણ આવા અનેક ફેક ચુકાદાનો ઉલ્લેખ ડ્રાફ્ટ્સમાં સામે આવ્યો છે.
ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું હતું કે ક્યારેક પુરો ચુકાદો નહીં પણ અંદરનો કેટલોક ઉલ્લેખ ફેક નીકળે છે જેનાથી જજ પરનો બોજ વધી જાય છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે કેટલાક વકીલો અરજીઓ તૈયાર કરવામાં એઆઇનો ઉપયોગ કરી રહ્યા છે, જે પુરી રીતે અયોગ્ય છે. તાજેતરમાં જ બોમ્બે હાઇકોર્ટે એઆઇ દ્વારા તૈયાર ડ્રાફ્ટમાં ફેક ચુકાદાનો ઉલ્લેખ કરાતા દંડ ફટકાર્યો હતો.

