નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરાની વસૂલાત કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે શુક્રવારે પાલિકાની ટીમ દ્વારા સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બાકી વેરા પેટે કુલ ૪ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા અને અનેક મિલકત ધારકો પાસેથી સ્થળ પર જ વેરાની રકમની વસૂલાત કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં સલૂણ બજાર પોલીસ ચોકી પાસે આવેલી ૧ દુકાન તેમજ સલૂણ બજારની અંદર ગાજીપુર મસ્જિદ પાસે આવેલી ૩ દુકાનો મળી કુલ ૪ મિલકતો સીલ કરવામાં આવી છે. આ મિલકતોનો કુલ ૩,૫૦,૪૯૮ રૂપિયા જેટલો વેરો બાકી હોવાથી તંત્ર દ્વારા આ આકરું પગલું ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાલિકાની ટીમે સઘન ચેકિંગ હાથ ધરીને સ્થળ ઉપર જ ૧૧ જેટલા મિલકત ધારકો પાસેથી કુલ ૨,૨૮,૩૪૮ રૂપિયાના બાકી વેરાની વસૂલાત કરી હતી. આગામી દિવસોમાં પણ બાકી વેરો ધરાવતી અન્ય મિલકતો સામે આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

