દેશના અનેક રાજ્યોમાં અચાનક જ તાપમાનમાં મોટો ઉછાળો આવ્યો જેને પગલે લોકોએ હીટ વેવનો સામનો કરવો પડયો હતો. રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા સાત ડિગ્રી વધુ છે, આ સાથે જ રાજધાનીમાં છેલ્લા 50 વર્ષમાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહનો પ્રથમ સૌથી ગરમ દિવસ રહ્યો છે.

બીજી તરફ પર્યટન રાજ્ય હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા અને અન્ય વિસ્તારોમાં હીટવેવનો લોકોએ સામનો કરવો પડયો હતો, લગભગ તમામ મોટા શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણથી સાત ડિગ્રી વધુ નોંધાયું હતું. શિમલામાં હવામાન વિભાગે ત્રણ જિલ્લાઓ કાંગરા, મંડી અને કુલ્લુમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. કાશ્મીરમાં પણ રવિવારનો દિવસ ગરમ રહ્યો અને સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 24.3 ડિગ્રી રહ્યું જે સામાન્ય કરતા 9.6 ડિગ્રી વધુ છે. કાશ્મીરના અનંતનાગમાં પર્યટકો માટેનું પ્રખ્યાત સ્થળ પહલગામ પણ ગરમ રહ્યું, અહીંયા તાપમાન 20 ડિગ્રી રહ્યું જે સામાન્ય કરતા નવ ડિગ્રી વધુ હતું. રણ પ્રદેશ ગણાતા રાજસ્થાનમાં બે સ્થળે તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું.
જુનજુનુમાં પિલાનીમાં મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું હતું, બાડમેરમાં પણ તાપમાન ૪૦ ડિગ્રી રહ્યું. આગામી કેટલાક દિવસો સુધી રાજસ્થાનમાં તાપમાન વધી શકે છે. હરિયાણાના હિસારમાં તાપમાન મહત્તમ 37.5 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા છ ડિગ્રી વધુ છે. જોકે શિમલામાં સોમવારથી આંધીની આગાહી કરવામાં આવી છે જેને પગલે હિમાચલમાં ભેજવાળુ વાતાવરણ રહેશે.

