ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતની ગૌરવયાત્રામાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. નવી દિલ્હીમાં યોજાયેલ MRO Xpo India 2026 માં ગુજરાતને પ્રતિષ્ઠિત “MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યું છે. વિમાનની જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને શ્રેષ્ઠ ઉડ્ડયન માળખું ઊભું કરવા બદલ રાજ્યના સક્રિય પ્રયાસોને આ એવોર્ડ દ્વારા વૈશ્વિક ઓળખ મળી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત તેની પ્રગતિશીલ નીતિઓ અને વ્યૂહાત્મક આયોજન દ્વારા MRO ઉદ્યોગ માટે ભારતમાં એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર MRO હેંગરનો વિકાસ એ GUJSAILનું મહત્વનું યોગદાન છે, જે એરલાઇન્સ અને MRO સંસ્થાઓને વિશ્વસ્તરીય સુવિધા પૂરી પાડે છે.

સુવિકસિત એરપોર્ટ નેટવર્ક અને કુશળ માનવશક્તિની ઉપલબ્ધતાને કારણે ગુજરાત એરોસ્પેસ અને વિમાન જાળવણી ક્ષેત્રે રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. આ એવોર્ડ ઉડ્ડયન અને એરોસ્પેસ ક્ષેત્રોમાં નવીનતા અને ઉદ્યોગ સહયોગ વધારવા માટેની ગુજરાત સરકારની સતત પ્રતિબદ્ધતાનો પુરાવો છે.આ સિદ્ધિ બદલ હર્ષ વ્યક્ત કરતા અધિકારીશ્રીઓએ જણાવ્યું હતું કે, આ માન્યતા ભારતની ઉડ્ડયન ક્ષમતાઓને મજબૂત કરવાના અને ગુજરાતને ગ્લોબલ એવિએશન હબ તરીકે સ્થાપિત કરવાના રાજ્યના વિઝનને વધુ વેગ આપશે.ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ-GUJSAILએ આ કાર્યક્રમમાં ભાગ લઈ આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો.
