NATIONAL : ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું

0
18
meetarticle

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના ફુજૈરાથી ભારતીય ધ્વજવાળું એક ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળી આવ્યું છે. કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું કે, ઓઈલ ટર્મિનલ પર હુમલા છતાં જહાજે સુરક્ષિત રીતે ઓઈલ લોડ કર્યું અને ભારત માટે રવાના થઈ ગયું. જગ લાડકી સાથે હોર્મુઝની ખાડીમાંથી ભારતનું ચોથું ટેન્કર સુરક્ષિત નીકળતા કેન્દ્ર સરકારને રાહત થઈ છે. આ સાથે દેશમાં આગામી સમયમાં એલપીજીની અછત દૂર થવાની શક્યતા છે.કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું કે, મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ પર તેની સતત નજર છે અને ઈંધણ પૂરવઠા તથા સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. યુએઈના ફુજૈરા બંદરેથી ૮૦,૮૦૦ ટન મુર્બન ક્રૂડ ઓઈલ લઈને ભારતીય ધ્વજવાળું ટેન્કર જગ લાડકી રવાના થઈગયું છે અને હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળી ગયું છે. ભારત આવી રહેલા આ જહાજમાં બધા જ ભારતીય ક્રૂ સુરક્ષિત છે. હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત બહાર નીકળનારું ભારતનું આ ચોથું જહાજ છે.

સરકારે જણાવ્યું કે, ૧૪ માર્ચે જગ લાડકી ફુજૈરાના સિંગલ પોઈન્ટ મુરિંગ પર ક્રૂડ ઓઈલ લોડ કરી રહ્યું હતું તે સમયે ફુજૈરા ઓઈલ ટર્મિનલ પર ઈરાને હુમલો કર્યો હતો. આમ છતાં જહાજ સુરક્ષિત રીતે ત્યાંથી રવાના થઈ ગયું અને હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે. હોર્મુઝની ખાડીના પશ્ચિમી ભાગમાં ભારતના ૨૪ જહાજ જ્યારે ચાર જહાજ પૂર્વીય ભાગમાં ફસાયેલા હતા, જેમાંથી ભારતના શિવાલિક, નંદા દેવી અને જગ પ્રકાશ હોર્મુઝની ખાડીમાંથી બહાર આવી ગયા છે. જગ પ્રકાશે શુક્રવારે હોર્મુઝની ખાડી પાર કરી હતી અને તે તાંઝાનિયાના તાંગા પોર્ટ તરફ જઈ રહ્યું છે.

દરમિયાન ભારતમાં એલપીજીનો પર્યાપ્ત જથ્થો હોવાની કેન્દ્ર સરકારની વારંવારની હૈયાધારણની અસર થઈ છે. રવિવારે એલપીજી રિફિલ બૂકિંગ ૮૮.૮ લાખથી ઘટીને ૭૭ લાખ થયું હતું, જે લોકોમાં ગભરાટભરી ખરીદીનું પ્રમાણ ઘટયું હોવના સંકેત આપે છે. જોકે, ઓનલાઈન એલપીજી બૂકિંગમાં વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડિજિટલ બૂકિંગને પ્રોત્સાહન આપતા એલપીજી સિલિન્ડરનું ઓનલાઈન બૂકિંગ ૮૪ ટકાથી વધીને ૮૭ ટકા થયું છે.

આ સાથે કેન્દ્ર સરકારે ફરી એક વખત ભારપૂર્વક કહ્યું છે કે દેશમાં રાંધણ ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો છે. લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. વધુમાં એલપીજી સિલિન્ડરની ડિલિવરી વધારવા માટે કેન્દ્ર સરકારે પાઈપ કૂકિંગ ગેસ (પીએનજી) કનેક્શન ધરાવનારા ગ્રાહકોને એલપીજી સિલિન્ડર નહીં આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ સરકારે શહેરોમાં પીએનજી કનેક્શનને પ્રોત્સાહન આપતા ગેસ વિતરકો પરનું દબાણ ઓછું થયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here