અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસરો ભારતના ગેસ સપ્લાય પર ન પડે તે માટે પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. સરકારે એલપીજી (LPG) સિલિન્ડર પરની નિર્ભરતા ઘટાડવા અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ને પ્રોત્સાહન આપવા માટે ‘વેલકમ ઓફર’ સાથેની મોટી યોજનાને લીલી ઝંડી આપી દીધી છે.

PNG અપનાવો અને મેળવો 500 રૂપિયાનો ફ્રી ગેસ
સરકારે લોકોને PNG પર શિફ્ટ કરવા માટે આર્થિક પ્રોત્સાહન જાહેર કર્યું છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ (IGL) અને GAIL દ્વારા ઘરેલુ ગ્રાહકોને સીધા 500 રૂપિયાની કિંમતનો ફ્રી ગેસ આપી રહ્યા છે. BPCL એ મોટી રાહત આપતા કોમર્શિયલ સેક્ટરમાં સિક્યોરિટી ડિપોઝિટ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે.
નવો નિયમ
14 તારીખના સરકારી આદેશ મુજબ, જે લોકો પાસે LPG અને PNG બંને કનેક્શન છે, તેમને LPG કનેક્શન સરન્ડર કરવા અપીલ કરવામાં આવી છે જેથી જરૂરિયાતમંદોને સિલિન્ડર મળી શકે. ભારતીય જહાજો ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ આજે પહોંચશે. શિપિંગ મંત્રાલયના સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું કે, ભારત માટે ગેસ લઈને આવતા બે મહત્ત્વના જહાજો ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ એ 14 તારીખે સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી લીધી છે અને તે આજે ભારત પહોંચશે. આનાથી દેશમાં ગેસનો સ્ટોક વધુ મજબૂત થશે.
1100 સ્થળોએ દરોડા
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં ક્યાંય પણ ગેસનો સ્ટોક પુરતો છે. કાળાબજાર અને સંગ્રહખોરી રોકવા માટે 1100 થી વધુ સ્થળોએ ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા છે. ગેસનું ઓનલાઇન બુકિંગ હવે 90% સુધી પહોંચી ગયું છે, જે પારદર્શિતા દર્શાવે છે.
ઈરાન સરહદેથી ભારતીયોની ઘરવાપસી
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈરાન સરહદેથી અત્યાર સુધીમાં 550 થી વધુ ભારતીયો આર્મેનિયા અને અઝરબૈજાન થઈને સુરક્ષિત રીતે નીકળી ગયા છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ 2.28 લાખ ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે.

