ફેડરલ રિઝર્વ દ્વારા સતત બીજી વખત ્વ્યાજ દર જાળવી રાખવાના લેવાયેલા નિર્ણયને પરિણામે ડોલરમાં મજબૂતાઈ આવી હતી જેને પગલે વૈશ્વિક સોનાચાંદીમાં મોટી પીછેહટ જોવા મળી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં ભાવમાં જોરદાર ઘટાડા જોવા મળ્યા હતા. મુંબઈ ચાંદીમાં એક જ દિવસમાં ૨૦,૦૦૦ રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે સોનામાં રૂપિયા ૭૦૦૦ નીકળી ગયા હતા. બંધ બજારે ડોલર સામે રૂપિયો લથડી ૯૩ને પાર કરી ગયો હતો.

બીજી બાજુ અખાતમાં યુદ્ધની સ્થિતિ વધુ ઘેરી બનતા અને ઊર્જા માળખાઓ પર ભીષણ હુમલા કરાતા ક્રુડ તેલના ભાવમાં ભડકો થયો હતો. બ્રેન્ટ ક્રુડ ઓઈલ ઉપરમાં ૧૧૯.૧૩ ડોલર સુધી ઉછળ્યું હતું. ક્રુડ તથા ગેસના ભાવમાં ઉછાળાને પરિણામે ઘરઆંગણે ફુગાવો વધવાની સાથોસાથ રૂપિયા પર દબાણ વધવાની ચિંતા પ્રવર્તી રહી છે. બંધ બજારે ડોલર સામે રૂપિયામાં નવો નીચો ભાવ જોવા મળ્યો હતો. મુંબઈ ઝવેરી બજારમાં ગુડી પડવાના સપરમા દિવસે ૯૯.૯૦ સોનાના દસ ગ્રામ દીઠ જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૧,૫૪,૮૭૯ હતા તે ગુરુવારે રૂપિયા ૭૦૦૦ જેટલા તૂટી રૂપિયા ૧,૪૭,૮૮૯ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર ભાવ રૂપિયા ૧,૪૭,૨૯૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૨,૪૯,૯૦૭ રહ્યા હતા તે ગુરુવારે રૂપિયા ૨૦,૦૦૦ જેટલા ઘટી રૂપિયા ૨,૨૯,૮૭૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ રૂપિયા ૧,૫૩,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૫૨,૭૦૦ કવોટ થતા હતા. બુધવારની સરખામણીએ સોનામાં રૂપિયા ૭૦૦૦ નીકળી ગયા હતા. ચાંદી .૯૯૯ જે બુધવારે એક કિલોના રૂપિયા ૨,૫૫,૦૦૦ હતા તે ગુરુવારે રૂપિયા ૧૯,૦૦૦ તૂટી રૂપિયા ૨,૩૬,૦૦૦ બોલાતી હતી.
વિશ્વબજારમાં સોનામાં મોટી ઊથલપાથલ જોવા મળી હતી. સોનું પ્રતિ ઔંસ ઉપરમાં ૪૮૬૭.૦૭ ડોલર અને નીચામાં ૪૫૫૭ ડોલર થઈ મોડી સાંજે ૪૫૫૨ ડોલર મુકાતું હતું. જે આગલા બંધથી ૨૬૫ ડોલર જેટલું નીચે હતું. ચાંદી પ્રતિ ઔંસ ઉપરમાં ૭૬.૬૯ ડોલર અને નીચામાં ૬૬.૫૧ડોલર થઈ મોડી સાંજે ૬૬.૯૮ ડોલર મુકાતી હતી.
ચાંદીમાં ૮ ડોલરથી વધુનો ઘટાડો જોવાયો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રખાતા ફન્ડ હાઉસો સોનાચાંદીમાંથી નીકળી ડોલર તરફ વળ્યા હોવાના અહેવાલ હતા. વ્યાજ દર જાળવી રખાતા વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ૧૦૦ને પાર કરી ગયો હતો.
ગુડી પડવા નિમિત્તે બેન્ક હોલીડે રહેતા ફોરેકસ માર્કેટ બંધ રહ્યું હતું પરંતુ ખાનગીમાં ડોલર સામે રૂપિયો લથડી ૯૩ને પાર કરી ગયો હતો. ભાવ પ્રતિ ડોલર રૂપિયા ૯૩.૨૨થી રૂપિયા ૯૩.૨૫ મુકાતા હતા. ડોલર સામે રૂપિયામાં પહેલી વખત ૯૩નું નવું તળિયું જોવા મળ્યું છે.

