ઉનાળાની કાળઝાળ ગરમી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. સામાન્ય રીતે શિયાળાની સરખામણીમાં લોકો ગરમીમાં ઓછું ખાવાનું પસંદ કરે છે. સૂર્યના આકરા તાપથી બચવા લોકો એસીનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ એસીમાં બેસવાના કારણે લોકો પાણી જલ્દી પીતા નથી. પરંતુ જો પૂરતું પાણી પીવામાં ન આવે, તો શરીર ડિહાઈડ્રેશન (Dehydration) નો શિકાર બને છે, જે આગળ જતાં અનેક ગંભીર બીમારીઓ અને સમસ્યાઓ નોતરી શકે છે. મહિલાઓ ઘરની અંદર હોવા છતાં કામની વ્યસ્તતાના લીધે પાણી જલદી પીતી નથી. ગરમીમાં પાણી નહીં પીવાની સામાન્ય આદત સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. જાણો પાણી ના પીવાથી કઈ બીમારીના શિકાર થઈ શકીએ છીએ.

ગરમીમાં ઓછું પાણી પીવાથી આ બીમારીનું જોખમ
1) હીટ સ્ટ્રોક (લૂ લાગવી) : શરીરમાં પાણીની અછતને કારણે તાપમાનનું સંતુલન બગડે છે. આનાથી ચક્કર આવવા, ઉબકા આવવા અને ક્યારેક બેભાન થઈ જવાની સ્થિતિ સર્જાય છે, જેને આપણે ‘લૂ’ લાગવી કહીએ છીએ.
2) કિડનીમાં પથરી (Kidney Stones) : ઓછું પાણી પીવાથી પેશાબ ઘટ્ટ બને છે, જેના કારણે શરીરમાં રહેલા મિનરલ્સ કિડનીમાં જમા થવા લાગે છે અને પથરીની સમસ્યા ઊભી થાય છે. લાંબા ગાળે આ કિડની ઇન્ફેક્શન કે કિડની ફેલ્યોરનું કારણ પણ બની શકે છે
.3) પાચનની સમસ્યાઓ અને કબજિયાત : આંતરડાના કાર્ય માટે પાણી અત્યંત જરૂરી છે. પાણીના અભાવે ખોરાક બરાબર પચતો નથી, જેનાથી ગંભીર કબજિયાત, એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ રહે છે.
4) યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI) : પૂરતું પાણી ન પીવાથી પેશાબમાં બેક્ટેરિયા જમા થાય છે, જે પેશાબમાં બળતરા અને ઇન્ફેક્શન પેદા કરે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
5) લો બ્લડ પ્રેશર અને હૃદય પર દબાણ : શરીરમાં પાણી ઘટવાથી લોહીનું પ્રમાણ (Volume) ઘટે છે, જેનાથી બ્લડ પ્રેશર લો થઈ જાય છે. હૃદયને આખા શરીરમાં લોહી પહોંચાડવા માટે વધુ મહેનત કરવી પડે છે, જે હૃદયના ધબકારા વધારી શકે છે.
ગરમીમાં શરીર માટે પાણી જરૂરી
ગરમીમાં તાપમાન વધતા શરીરને વધુ પાણીની જરૂર હોય છે. પરંતુ પૂરતું પાણી ન પીવાથી શરીમાં ડિહાઇડ્રેશન, કિડની સ્ટોન અને હીટ સ્ટ્રોક જેવી ગંભીર બીમારીના શિકાર થઈ શકીએ છીએ. સામાન્ય લાગતી આ આદતની અવગણના સ્વાસ્થ્યમાં મોટું નુકસાન કરી શકે છે. મહિલા હોય કે પુરુષ દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. ગરમીના દિવસોમાં ફક્ત પાણી જ નહીં, પણ છાશ, લીંબુ પાણી, નારિયેળ પાણી કે કાંજી જેવા કુદરતી પીણાંનું સેવન વધુ કરવું જોઈએ તેમ ડોક્ટર પણ સલાહ આપી છે.
