સાયલા સ્થિત ગૌતમ દીપ ઇન્ડિયન ગેસ એજન્સી સામે ગ્રાહકોના વ્યાપક રોષ અને ફરિયાદોને પગલે આજે આઈઓસી વિભાગના એરિયા મેનેજર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ૧૨,૦૦૦થી વધુ ગ્રાહકો ધરાવતી આ એજન્સી ઘણા સમયથી વિવાદોના વમળમાં છે.

ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી દ્વારા નિયત કિંમત કરતા વધુ નાણાં વસૂલવામાં આવે છે, હોમ ડિલિવરી નિયમિત મળતી નથી અને સ્ટાફ દ્વારા ગ્રાહકોને ઉડાઉ જવાબ આપી મનમાની ચલાવવામાં આવે છે.
અગાઉ પુરવઠા વિભાગની તપાસમાં છેલ્લા આઠ દિવસથી સ્ટોક રજિસ્ટર નિભાવવામાં ન આવ્યું હોવાનું અને ગોડાઉનમાં રહેલી ફાયર સેફ્ટીની બોટલો એક્સપાયરી ડેટવાળી હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમિયાન એજન્સી પર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં એરિયા મેનેજરે રૂબરૂ લોકોના નિવેદન નોંધ્યા હતા. જોકે, તપાસના અંતે એરિયા મેનેજરે મીડિયાને કોઈ પણ વિગત આપવાનું ટાળ્યું હતું અને ટેલિફોનિક સંપર્ક છતાં પ્રતિસાદ આપ્યો ન હતો, જેને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

