રાજ્યમાં દારુબંધી હોવાના બણગા ફૂંકતી વાતો અને કડક અમલવારી થતી હોવાની વાતોના ધજાગરા ઉડાવતી ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં ગત 22 માર્ચે દૂધેશ્વર સર્કલ ખાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવમાં બે નબીરાની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની નિષ્પક્ષતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના દૂધેશ્વર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની એક હાઈપ્રોફાઈલ ઘટના સામે આવી હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના પુત્ર યુવરાજ સિંહ પટેલની સંડોવણી ખુલી હતી. બે દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા માર્યા હોય એ રીતે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?
22 માર્ચની રાત્રે અમદાવાદના દૂધેશ્વર સર્કલ પાસે એક લક્ઝરી કારમાં સવાર બે યુવકોએ દારૂના નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ કારમાં તપાસ કરતા અંદરથી દારૂની બોટલો મળી આવી હતી. નશામાં ચૂર યુવરાજસિંહ પટેલ અને તેના મિત્ર શ્રીકાંત તોમરે ત્યાં હાજર ટ્રાફિકના TRB જવાનો સાથે પણ ઉગ્ર માથાકૂટ કરી હતી અને સત્તાનો રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને સમાધાનનો ખેલ
ઘટના સ્થળે પહોંચેલી 112ની ટીમ અને માધુપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બંને આરોપીઓને પોલીસ વાનમાં બેસાડીને લઈ ગયા હતા. નવાઈની વાત એ છે કે, કારમાં પોલીસની હાજરીમાં જ દારૂની બોટલો સ્પષ્ટ દેખાતી હોવા છતાં શરૂઆતમાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. આરોપી યુવરાજસિંહ પટેલ રાજકીય વગ ધરાવતા નેતાનો પુત્ર હોવાથી પોલીસે રાતોરાત મામલો થાળે પાડવા સમાધાન કરાવી દીધું હતું અને તેને કોઈ પણ ગુનો નોંધ્યા વગર છોડી મૂક્યો હતો.
વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં
જોકે, આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસારિત થતા પોલીસની છબી ખરડાઈ હતી. વીડિયોમાં યુવરાજ પટેલ પોલીસ સાથે તકરાર કરતો અને કારમાં દારૂની બોટલો સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જનતાના આક્રોશ અને મીડિયાના દબાણ બાદ માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈએ નિવેદન આપ્યું હતું કે વાયરલ વીડિયોના પુરાવાને આધારે હવે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમરની ધરપકડ કરવામાં આવી છે.
હિંમતસિંહ પટેલના પરિવારનો વિવાદો સાથે જૂનો નાતો
આ પ્રથમ ઘટના નથી જ્યારે હિંમતસિંહ પટેલના પરિવારના સભ્યો દારૂના નશામાં પકડાયા હોય. અગાઉ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમનો ભાણિયો વિશાલ ગુર્જર પણ મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા ઝડપાયો હતો. વિશાલે બે વાહનોને ટક્કર મારી હતી. જેના કારણે લોકોએ તેને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. તે ઘટનાના ગણતરીના દિવસોમાં જ હવે પુત્ર યુવરાજ પટેલના આ પરાક્રમે શહેરભરમાં ચર્ચા જગાવી છે.રાજકીય ઓથ હેઠળ કાયદાના લીરેલીરા ઉડાડતા આવા નબીરાઓ સામે પોલીસ ખરેખર ન્યાયિક તપાસ કરશે કે પછી ફરી એકવાર સત્તાના દબાણ હેઠળ મામલો દબાઈ જશે, તે જોવું રહ્યું.
