WORLD : બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના, મુસાફરોથી ખીચોખીચ બસ નદીમાં ખાબકી, 23ના મોત, અનેક ગુમ

0
12
meetarticle

પાડોશી દેશ બાંગ્લાદેશમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજબારી જિલ્લાના દૌલતદિયા ફેરી ટર્મિનલ પાસે એક મુસાફરોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને ઉફનતી પદ્મા નદીમાં ખાબકી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 23 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અનેક મુસાફરો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફેરી પરથી નદીમાં સમાઈ ગઈ બસ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત બુધવારે સાંજે આશરે 5:00 વાગ્યે ટર્મિનલ નંબર 3 પાસે સર્જાયો હતો. બસ રાજબારીથી ઢાકા જઈ રહી હતી અને તે સમયે એક ફેરી (નૌકા) પર સવાર હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બસમાં ઓછામાં ઓછા 50 મુસાફરો સવાર હતા. ફેરી પરથી અચાનક બસ લપસીને સીધી પદ્મા નદીના ઊંડા પાણીમાં સમાઈ ગઈ હતી.

6 કલાકની જહેમત બાદ બસ બહાર કઢાઈ

પોલીસ ઇન્સ્પેક્ટર રસેલ મુલ્લાએ જણાવ્યું હતું કે નૌકાદળ, પોલીસ, ફાયર બ્રિગેડ અને મરજીવાઓની ટીમો સંયુક્ત રીતે બચાવ કામગીરીમાં જોડાઈ હતી. અકસ્માતના આશરે 6 કલાક બાદ બચાવ જહાજ ‘હમઝા’ અને ક્રેનની મદદથી રાત્રે 11:30 વાગ્યે બસને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. બસ જેવી બહાર આવી કે ત્યાં હાજર સ્વજનોની ચીસ અને રુદનથી આખો વિસ્તાર ગમગીન બની ગયો હતો.

આંખો સામે ડૂબી ગયો પરિવાર

આ અકસ્માતમાં જીવિત બચેલા અબ્દુલ અઝીઝુલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, તે કોઈક રીતે તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યો, પરંતુ તેની પત્ની અને બાળક તેની નજર સામે જ પાણીમાં ગરકાવ થઈ ગયા. ટર્મિનલના કિનારે બેસીને અનેક પરિવારો પોતાના સ્વજનોની સલામતીની દુઆ કરી રહ્યા છે, પરંતુ સમય પસાર થવાની સાથે આશા પણ દમ તોડી રહી છે. રાત્રિના અંધકારને કારણે બચાવ કામગીરી અસ્થાયી રૂપે અટકાવવી પડી હતી, જે સવાર થતા જ ફરી શરૂ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here