યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે માનવ કીડીયારૂ ઉભરાયું હતું. મા ચામુંડાના દર્શન કરવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સેંકડો ભક્તો ઉમટી પડયા હતા. જોકે, આ ભક્તિમય માહોલ વચ્ચે વહીવટી તંત્રની પોકળ તૈયારીઓ અને આયોજનના અભાવે શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. પાંચ લાખથી વધુ મેદની સામે સરકારી વ્યવસ્થાઓ પત્તાના મહેલની જેમ ધરાશાયી થતી જોવા મળી હતી. એક સમયે તો ભારે અફરાં-તફરી મચતા જીવલેણ ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે ડુંગર પર જવાનાં દરવાજા બંધ કરવા પડયા હતા.ચોટીલામાં ચૈત્રી પૂનમ નિમિત્તે ભક્તોની એવી પ્રચંડ ભીડ હતી કે ડુંગર પર ચડવા માટેના પથ્થરના પગથિયાં પણ ટૂંકા પડયા હતા. દર્શનની આતુરતા એટલી હતી કે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાને બદલે અનેક ભાવિકોએ ડુંગરની આડશ અને પથરાળ રસ્તેથી જોખમી રીતે ચઢાણ શરૃ કર્યું હતું. હાલમાં જ્યાં ફ્યુનિક્યુલર રોપવે સિસ્ટમનું કામ ચાલી રહ્યું છે, તે નિર્માણધીન રસ્તે પણ લોકો જીવના જોખમે ચઢી રહ્યા હતા. આ દ્રશ્યો તંત્ર માટે ‘લાલબત્તી’ સમાન છે, કારણ કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની ? એવો સવાલ ઉઠયો છે.

નોંધનીય છે કે, ચોટીલામાં પાર્કિંગની સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ ચૈત્રી પૂનમે આ સમસ્યા વિકરાળ બની હતી. તળેટીના બંને પાકગ અને હોટલોના ગ્રાઉન્ડ વહેલી સવારથી જ ભરાઈ ગયા હતા. પરિણામે, લોકોએ મજબૂરીવશ પોતાના ખાનગી વાહનો સરકારી હોસ્પિટલ અને પીક-અપ બસ સ્ટેન્ડમાં પાર્ક કર્યા હતા, જેનાથી દર્દીઓ અને સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી. અમદાવાદ-રાજકોટ હાઈવે પર દોઢ કિલોમીટરનું અંતર કાપતા વાહનોને 40 મિનિટથી વધુ સમય લાગ્યો હતો.

