SURENDRANAGAR : મુળીમાં ભોગાવો નદીનો પુલ જર્જરિત : પિલરોમાં સળિયા દેખાતા દુર્ઘટનાનો ભય

0
21
meetarticle

સુરેન્દ્રનગર જિલ્લામાં નદીઓ પર આવેલા પુલો જર્જરિત હોવાની ફરિયાદો વચ્ચે મૂળી ભોગાવો નદી પરનો પુલ હવે જોખમી સ્તરે પહોંચી ગયો છે. સરા, થાનગઢ અને વાંકાનેર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલો આ પુલ પાયામાંથી ડેમેજ થઈ ગયો છે. 

પુલના પિલરો અને નીચેના ભાગેથી સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. હાલમાં ભોગાવો નદી પાણીથી ભરેલી છે, ત્યારે જર્જરિત પુલ પરથી એસટી બસો, ખાનગી લક્ઝરીઓ, વિદ્યાર્થી ભરેલા વાહનો અને ખેડૂતોના ભારે માલવાહક ટ્રેક્ટરો સતત પસાર થઈ રહ્યા છે.

આ ગંભીર પરિસ્થિતિ અંગે તંત્રના અધિકારીઓનું કહેવું છે કે નવા પુલના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરી રહ્યા ન હોવાથી કામ અટકેલું છે. બીજી તરફ, સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાય તેની રાહ જોયા વગર તંત્ર તાકીદે જાગે અને વૈકલ્પિક વ્યવસ્થા અથવા પુલના નવીનીકરણનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આ જર્જરિત પુલ ગમે ત્યારે મોટી હોનારતનું કારણ બની શકે તેમ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here