કુંભ મેળા દરમિયાન સોશિયલ મીડિયા પર ‘IITવાળા બાબા’ તરીકે પ્રખ્યાત થયેલા અભય સિંહે લગ્ન કરીને જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. મૂળ હરિયાણાના ઝજ્જરના રહેવાસી અભય સિંહે કર્ણાટકની એક એન્જિનિયર યુવતી પ્રતીકા સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન વિશે ખુલાસો ત્યારે થયો જ્યારે તેઓ અચાનક પોતાની પત્ની સાથે પિતાના આશીર્વાદ લેવા માટે ઝજ્જર પહોંચ્યા હતા. અભય સિંહે જણાવ્યું કે, તેમણે 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે હિમાચલના અધંજર મહાદેવ મંદિરમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ 19 ફેબ્રુઆરીએ કોર્ટ મેરેજ પણ કર્યા હતા.
અભય સિંહના પિતા કર્ણ સિંહ વ્યવસાએ વકીલ છે અને ઝજ્જર બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. લગ્ન બાદ પહેલીવાર પિતાના ચેમ્બર પર પહોંચેલા અભય સિંહને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી થઈ હતી. અભય સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમની રુચિ હંમેશા આધ્યાત્મમાં જ હતી, પરંતુ અભ્યાસકાળ દરમિયાન તેઓ પિતાની ચેમ્બરમાં બેસીને કાયદાકીય પાસાઓ સમજતા હતા. હાલમાં તેઓ પોતાની પત્ની સાથે હિમાચલમાં રહે છે અને બંનેનું વિઝન એક જ હોવાથી સાથે કામ કરી રહ્યા છે.

તેમની પત્ની પ્રતીકાએ જણાવ્યું કે, અભય ખૂબ જ સરળ અને પ્રમાણિક વ્યક્તિત્વ ધરાવે છે. પ્રતીકા પોતે પણ એન્જિનિયર છે અને હવે આ દંપતી સાથે મળીને સનાતન ધર્મને આગળ વધારવા માટે કામ કરશે. તેઓ એક ‘શ્રી યુનિવર્સિટી’ બનાવવાનું આયોજન કરી રહ્યા છે, જ્યાં સંસારિક જ્ઞાનની સાથે આધ્યાત્મિક સાધનાનું પણ શિક્ષણ આપવામાં આવશે. ‘IITવાળા બાબા’ની લગ્નના આ સમાચાર સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે અને લોકો તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે.
