મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતીય ઉદ્યોગ જગત પર પડવા લાગી છે. ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) આર્થિક ઝટકાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ નાના વેપારીઓને બચાવવા માટે ‘ઓપ્ટ-ઈન’ રિપેમેન્ટ મોરેટોરિયમ (લોનના હપ્તા ભરવામાં હંગામી રાહત) નો પ્રસ્તાવ મૂક્યો છે.

કેમ પડી રહી છે મોરેટોરિયમની જરૂર?
અમેરિકા-ઈરાન જંગને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. જેના કારણે MSME દ્વારા ઉત્પાદિત માલની માંગમાં ઘટાડો થઈ શકે છે. નિકાસમાં વિલંબ થવાથી વેપારીઓની કમાણી પર અસર પડી છે. લોન ચૂકવવાની ક્ષમતા ઘટતા નાના એકમો બંધ થવાનું જોખમ વધી ગયું છે.બેંક સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના કાળમાં જ્યારે RBI એ હપ્તા પર રોક લગાવી હતી, ત્યારે બેડ લોન (NPA) માં ધાર્યા કરતા ઓછો વધારો થયો હતો. આ સફળતાને જોતા, હાલના યુદ્ધના સંકટ સમયે પણ આવી રાહત આપવી અનિવાર્ય બની છે.
RBI નો જવાબ અને વર્તમાન સ્થિતિ
ભારતીય રિઝર્વ બેંકે (RBI) આ પ્રસ્તાવ પર ટૂંક સમયમાં નિર્ણય લેવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે RBI એ નિકાસકારોને રાહત આપવા માટે પહેલેથી જ 30 જૂન સુધી એક્સપોર્ટ લોન પર છૂટ જાહેર કરેલી છે.
MSME પર દેવાનો ભાર
SIDBI ના ડિસેમ્બર 2025 ના રિપોર્ટ મુજબ MSME ક્ષેત્ર પર કુલ ₹67.6 લાખ કરોડ નું દેવું બાકી છે. ગયા વર્ષની સરખામણીએ લોનમાં 16% નો વધારો થયો છે. જોકે, લોનની ગુણવત્તામાં સુધારો થયો છે અને બાકી હપ્તાઓનો દર ઘટીને 1.87% ના સ્તરે પહોંચ્યો છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચો છે. કોરોના કાળ દરમિયાન RBI એ શરૂઆતમાં ત્રણ મહિના અને બાદમાં 31 ઓગસ્ટ, 2020 સુધી લોન મોરેટોરિયમ આપ્યું હતું. હવે જો ફરીથી આ નિર્ણય લેવામાં આવે, તો કરોડો નાના વેપારીઓને મોટી આર્થિક રાહત મળી શકે છે.

