અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી ખીણમાં ખાબકતા 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વેકેશનનો આનંદ માતમમાં ફેરવાયો
મળતી માહિતી મુજબ, કેરળની એક શાળાના શિક્ષકો, અન્ય સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો મળીને કુલ 16 લોકો વેકેશન મનાવવા તમિલનાડુના પ્રવાસે આવ્યા હતા. તેઓ પ્રસિદ્ધ અતિરાપલ્લી વોટરફોલ જોઈને વાલપરાઈ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચાલકે વાન પરથી કાબૂ ગુમાવતા વાન સીધી ઉંડી ખીણમાં ખાબકી હતી.
બચાવ કામગીરી અને પોલીસ એક્શન
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ખીણમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. કેરળ પોલીસ આ મામલે તમિલનાડુ પોલીસના સતત સંપર્કમાં છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ શાળાના વાલીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં શાળાએ ઉમટી પડ્યા હતા, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી છે અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

