IPL 2026 પ્લેઓફ રેસમાંથી બહાર થવાની અણી પર રહેલી મુંબઈ ઈન્ડિયન્સને જીવનદાન મળ્યું છે. પાંચ વખતના ચેમ્પિયન – જેઓ આ સિઝનમાં સતત હારનો સામનો કરી રહ્યા હતા – તેમને આખરે વિજયનો સ્વાદ ચાખવા મળ્યો. તેમની 10મી મેચમાં, મુંબઈએ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને હરાવીને સિઝનનો પોતાનો ત્રીજો વિજય નોંધાવ્યો છે. આ જીતથી મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવીત રહી છે, આ સાથે જ લખનઉને કરો યા મરોની સ્થિતિમાં મૂકી દીધી છે.

વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026ની 47મી મેચમાં, મુંબઈએ લખનઉને 6 વિકેટે હરાવ્યું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, લખનઉએ 228 રનનો જંગી સ્કોર બનાવ્યો. લખનઉ માટે નિકોલસ પૂરન (21 બોલમાં 63 રન) અને મિશેલ માર્શ (44 રન) એ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેના જવાબમાં આ વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈએ રોહિત શર્મા (44 બોલમાં 84 રન) અને રાયન રિકેલ્ટન (32 બોલમાં 83 રન) ની વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી 8 બોલ બાકી રહેતા વિજય મેળવ્યો.
આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સે ત્રણ મેચની હારનો સિલસિલો તોડી નાખ્યો છે. આ સાથે સતત ચાર હાર બાદ વાનખેડે સ્ટેડિયમ પર આ તેમનો પહેલો વિજય છે. જો કે, આ પરિણામ છતાં, પોઈન્ટ ટેબલ પર બંને ટીમોના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. બંને ટીમો છેલ્લા બે સ્થાનો પર કબજો જમાવી રહી છે. તેમના માટે પ્લેઓફમાં પહોંચવું હજુ પણ લગભગ અશક્ય હોય તેવુ દેખાય રહ્યું છે.

