ARTICLE : શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રેણી: અધ્યાય – ૪ (જ્ઞાનકર્મસંન્યાસ યોગ)

0
40
meetarticle

જ્ઞાન એ માત્ર પુસ્તકોના પાનાઓમાં નથી, પણ જીવનના પાનાઓ ઉકેલવાની તાકાત છે.
આપણે બધા જ પોતાના કાર્યોમાં વ્યસ્ત છીએ .સવારથી સાંજ સુધી ભાગદોડ, જવાબદારીઓ અને સંબંધોની ખેંચતાણ. પણ શું તમે ક્યારેય અનુભવ્યું છે કે આ બધું કરવા છતાં એક અજીબ પ્રકારનો ખાલીપો અથવા મનમાં સતત શંકાઓ રહ્યા કરે છે? અધ્યાય – ૩ માં આપણે જોયું કે કર્મ કરવું અનિવાર્ય છે, પણ અધ્યાય – ૪ માં શ્રીકૃષ્ણ એક ડગલું આગળ વધીને સમજાવે છે કે ‘કર્મ’ જ્યારે ‘જ્ઞાન’ વગર કરવામાં આવે છે, ત્યારે તે બોજ બની જાય છે.
આ અધ્યાય એવા લોકો માટે છે જેઓ પોતાના જીવનના ‘કેમ’ અને ‘કેવી રીતે’ ના પ્રશ્નોમાં અટવાયેલા છે. અહીં ભગવાન માત્ર એક સારથી તરીકે નહીં, પણ એક એવા ગુરુ તરીકે પ્રગટ થાય છે જે સમયની સીમાઓ તોડીને રહસ્યો ખોલે છે. જેમ અંધારા ઓરડામાં ગમે તેટલી વસ્તુઓ પડી હોય પણ જ્યાં સુધી એક દીવો ન પ્રગટે ત્યાં સુધી બધું અસ્તવ્યસ્ત લાગે છે, તેમ આપણા જીવનમાં જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ નથી પડતો ત્યાં સુધી આપણા કર્મો આપણને મૂંઝવતા રહે છે.

અવતારનું પ્રયોજન: શા માટે આવે છે ઈશ્વર?
જ્યારે સમાજમાં નૈતિકતાનું પતન થાય છે, ત્યારે વ્યવસ્થાને ફરીથી સ્થાપિત કરવા ભગવાન અવતાર લે છે. પરંતુ આ માત્ર ઐતિહાસિક ઘટના નથી.તે આપણી અંદર રહેલી ચેતનાનો વિજય છે. ઈશ્વરનો સાચો અવતાર ત્યારે થાય છે જ્યારે તમે તમારા ડર અને અજ્ઞાનને છોડીને સત્યના માર્ગે ચાલવાનો નિર્ણય લો છો.

કર્મની બેડીઓ તોડવી છે? તો ધારણ કરો જ્ઞાનનું હથિયાર!
કૃષ્ણ કહે છે, “જે રીતે પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને રાખ કરી દે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ તમામ કર્મોને ભસ્મ કરી નાખે છે.
કાળા પથ્થર જેવું ઠંડું લોખંડ જ્યારે ધગધગતી અગ્નિમાં પડે છે, ત્યારે તે પોતાનો કાળો રંગ અને જડતા છોડી દે છે. તે અગ્નિ જેવું જ લાલચોળ અને તેજસ્વી બની જાય છે. તેને અડતા જ ગંદકી બળી જાય છે. તેવી જ રીતે, જ્યારે આપણું ‘કર્મ’ જ્ઞાનની ભઠ્ઠીમાં ભળે છે, ત્યારે તેમાં સ્વાર્થની ગંદકી રહેતી નથી. જ્ઞાન તમારા કર્મોને બંધન નહીં, પણ મુક્તિનો માર્ગ બનાવે છે.

શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ્: શંકાશીલ મન ક્યારેય સુખી નથી
આજના ‘માહિતી વિસ્ફોટ’ ના યુગમાં આપણી પાસે ફેક્ટ્સ (Facts) ઘણા છે, પણ ફેઈથ (Faith) નથી. કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે જે સંશયમાં જીવે છે તેનો વિનાશ નક્કી છે.
જ્ઞાન મેળવવા માટે બુદ્ધિ જોઈએ, પણ જ્ઞાનને પચાવવા માટે શ્રદ્ધા જોઈએ.કર્મમાં અકર્મ ટ્રાફિક પોલીસની જેમ જીવો
એક ટ્રાફિક પોલીસ પોતાની ફરજ નિભાવે છે, ગાડીઓ રોકે છે, જવા દે છે, પણ તે કોઈ ગાડીના મોહમાં પડતો નથી. તે રસ્તા પર હોવા છતાં રસ્તાથી અલિપ્ત છે. કૃષ્ણ આપણને આ જ ‘ડિટેચ્ડ એટેચમેન્ટ’ શીખવે છે. સંશયનો ત્યાગ અને કર્મનો આરંભ .અધ્યાયના અંતે કૃષ્ણ અર્જુનને આદેશ આપે છે “ઊઠ અર્જુન! તારા હૃદયમાં રહેલા આ અજ્ઞાનરૂપી સંશયને જ્ઞાનની તલવારથી કાપી નાખ અને તારા કર્તવ્યના પંથે આગળ વધ.”

સંશય એ મનનું કેન્સર છે. જ્ઞાન એ જ એકમાત્ર એવી દવા છે જે તમને અંદરથી મજબૂત બનાવે છે.
(ક્રમશ: આગામી અધ્યાય ૫ માં આપણે સમજીશું ‘કર્મસંન્યાસ યોગ’— શું ખરેખર બધું છોડી દેવું એ જ શ્રેષ્ઠ છે?)

દર્શના પટેલ (નેશનલ એવોર્ડ થી સન્માનિત) સ્પોર્ટ્સ ટીચર.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here