વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝસ્તાનની ચાર દિવસની મહત્વપૂર્ણ વિદેશ મુલાકાતે જશે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ઉઝબેકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તેમજ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવાનો છે.
રાજધાની તાશકંદની રાજકીય મુલાકાત લેશે
વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર, પ્રવાસના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદી 29 અને 30 ઓગસ્ટે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશકંદની રાજકીય મુલાકાત લેશે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવના આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાત વડાપ્રધાન મોદીની ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત હશે.
મુલાકાત દરમિયાન બંને નેતાઓ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, ઊર્જા, શિક્ષણ તથા લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરશે. બંને દેશોના ‘વિકસિત ભારત 2047’ અને ‘ઉઝબેકિસ્તાન 2030’ના વિકાસ લક્ષ્યોને આગળ વધારવા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી તાશકંદમાં શાસ્ત્રી સ્મારક અને તાશકંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ ખાતે આવેલા મહાત્મા ગાંધી કેન્દ્રની મુલાકાત પણ લઈ શકે છે.

SCO શિખર સંમેલનમાં ભાગ લેશે
ઉઝબેકિસ્તાન બાદ વડાપ્રધાન મોદી કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચશે અને SCO શિખર સંમેલનમાં ભાગ લેશે. સંમેલનમાં બદલાતી પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
વિદેશ મંત્રાલયના સચિવ (વેસ્ટ) સિબી જ્યોર્જે જણાવ્યું કે SCOની સ્થાપના મુખ્યત્વે આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામે લડવા માટે કરવામાં આવી હતી અને આ પડકારો આજે પણ યથાવત છે. શિખર સંમેલન દરમિયાન PM મોદી અન્ય SCO નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. ઉપરાંત તેઓ મધ્ય એશિયાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી છઠ્ઠી વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે.

