નવી દિલ્હી : દેશભરમાં ઉલ્લાસપૂર્ણ રીતે દશેરાની ઊજવણી થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વીય દિલ્હીના આઈપી એન્ટેન્શનમાં દશેરા સમારંભમાં ભાગ લીધો હતો. રાવણ દહન તેમણે દેશ સામેના પડકારોનો સાથે મળીને સામનો કરવાનો સંદેશો આપ્યો હતો. તેમણે દેશની એકતા, માન-સન્માન અને સંસ્કૃતિ સાથે જોડાયેલા દુશ્મનોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ દુશ્મનોનો સામનો કરવા માટે દેશે એક થવું પડશે.
વિજયાદશમી પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને દશેરાની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું, વિજયાદશમી અધર્મ પર ધર્મના જીતનું પ્રતીક છે. સત્તાનો આશય શાસન કરવાનો નથી, પરંતુ જનકલ્યાણનો હોય એ જ પ્રભુ શ્રીરામનો આદર્શ છે. આપણે મા ભારતના શત્રૂઓને ઓળખવા પડશે અને તેમનો સાથી મળીને સામનો કરવો પડશે.
દશેરા સમારંભમાં પીએમ મોદીએ કહ્યું, આપણા વિચારો સમાન હોય, દેશની બધી સંસ્થાઓ અને બધા રાજકીય પક્ષો રાષ્ટ્રીય હિત માટે એક સાથે ઊભા હોય, આપણે આ ભાવના પર ચાલવું પડશે. આપણે દેશના દુશ્મનો સાથે મળીને લડવું પડશે. દેશના માન-સન્માનને નુકસાન પહોંચાડનારી તાકતો, સમાજને વિભાજિત કરનારા લોકો, આપણી સંસ્કૃતિને નફરત કરનારી માનસિક્તા આ દેશના દુશ્મન છે. વિજયાદશમીના આ શુભ પ્રસંગે આપણે સંકલ્પ લેવો પડશે કે માતા ભારતીના શત્રુઓને ઓળખી તેમને હરાવવા પડશે અને રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ લેવો પડશે.

તેમણે ઉમેર્યું કે, આજે ભારતનો ખૂણે-ખૂણો રામમય છે. દેશભરમાં રામલીલાઓનું મંચન, પ્રભુ શ્રીરામના આદર્શોને જીવંત રાખવાની પરંપરા, અત્યાચાર અને આતંકના અંતના ઉદ્ધોષ તથા અસત્ય પર સત્ય સનાતનના વિજયનો વિશ્વાસ એ ભારતની પ્રાણ ઊર્જા છે. આ દેશે તેની સંસ્કૃતિ અને તેના પૂર્વજોએ હજારો વર્ષોથી પ્રભૂ શ્રીરામની ઉપાસના કરી છે. આ આસ્થા માત્ર એટલે નથી કે શ્રીરામે રાવણનો અંત કર્યો હતો. આ આસ્થા એટલા માટે પણ છે, કારણ કે પ્રભૂ રામે આપણને એવા આદર્શ આપ્યા જે માનવતાના ઈતિહાસમાં અતુલનીય છે, જેને આજે પણ સુશાસનનો માપદંડ માનવામાં આવે છે. રામરાજ્ય એટલે એવું શાસન, જ્યાં કોઈના પ્રત્યે ભેદભાવ ના હોય, બધાને ન્યાય મળે, સમાન તકો મળે અને જ્યાં સત્તાનો આશય શાસન કરવાનો નહીં પરંતુ જનકલ્યાણનો હોય.
તેમણે ઉમેર્યું કે, વર્ષોથી આપણી ધરોહરોને લૂંટીને વિદેશ લઈ જવાઈ. પરંતુ આજે અમે આપણી એ ધરોહરો પાછી લાવી રહ્યા છે. છેલ્લા ૧૨ વર્ષમાં ૬૫૦થી વધુ પ્રાચીન મૂર્તીઓ ભારત પાછી લવાઈ છે. ભારત તેના સાંસ્કૃતિક કેન્દ્રોને દુનિયામાં નવી ઓળખ અપાવી રહ્યું છે.

