SPORTS : UAE Hong Kong Sixes 2026 : UAE સામે ટીમ ઈન્ડિયાની સતત બીજી હાર, 6 વિકેટથી મળ્યો કારમો પરાજય

0
9
meetarticle

હોંગકોંગ સિક્સેસ ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનું નિરાશાજનક પ્રદર્શન યથાવત્ છે. ક્રુણાલ પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને UAE સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત બીજી હાર છે. અગાઉ પાકિસ્તાન સામે પણ ભારતીય ટીમને પરાજય મળ્યો હતો. UAE સામે ભારતીય બેટરો ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા અને બોલિંગમાં પણ ટીમ નિષ્ફળ રહી હતી. UAEએ માત્ર 4.2 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરીને મેચ જીતી લીધી હતી.

ભારતે 6 ઓવરમાં બનાવ્યા 94 રન

UAE સામેની મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 6 ઓવરમાં 94 રન બનાવ્યા હતા. જોકે, ટીમના મોટાભાગના બેટરો નિષ્ફળ રહ્યા હતા. નીતિશ રાણા માત્ર 6 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે રાહુલ તેવટિયા અને શશાંક સિંહના બેટમાંથી માત્ર 1-1 રન આવ્યા હતા.ભારત તરફથી ટી. નટરાજને સૌથી વધુ પ્રભાવ પાડ્યો હતો. તેમણે માત્ર 14 બોલમાં 38 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેમના યોગદાનને કારણે ભારતીય ટીમ 94 રન સુધી પહોંચી શકી હતી. જો નટરાજને ઝડપી બેટિંગ ન કરી હોત તો ભારતનો સ્કોર ઘણો ઓછો રહી શક્યો હોત.

UAEએ 4.2 ઓવરમાં જ મેચ જીતી

95 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમે શરૂઆતથી જ ભારતીય બોલરો પર હુમલો કર્યો હતો. ખાલિદ શાહે ટી. નટરાજનની પ્રથમ ઓવરમાં જ 25 રન ફટકાર્યા હતા.બીજી ઓવરમાં શશાંક સિંહ બોલિંગ કરવા આવ્યા હતા. તેમની પ્રથમ 3 બોલમાં UAEએ 2 છગ્ગા સહિત 16 રન બનાવી લીધા હતા. જોકે, શશાંકે છેલ્લી 3 બોલમાં એક પણ રન આપ્યો નહોતો.ત્રીજી ઓવરમાં નીતિશ રાણા બોલિંગ કરવા આવ્યા હતા, પરંતુ તેમણે 24 રન આપી દીધા હતા. ખાલિદ શાહ અને અંશ ટંડને ભારતીય બોલરોની મુશ્કેલી વધારી દીધી હતી.ત્યારબાદ ચોથી ઓવરમાં નટરાજને પણ 19 રન આપ્યા હતા. પરિણામે UAEએ માત્ર 4.2 ઓવરમાં લક્ષ્યાંક મેળવીને 6 વિકેટથી જીત નોંધાવી હતી.

ક્રુણાલ પંડ્યાને 2 બોલમાં 2 છગ્ગા

ભારતીય કેપ્ટન ક્રુણાલ પંડ્યાનું બોલિંગ પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. અગાઉની મેચમાં એક જ ઓવરમાં તેમને સતત 5 છગ્ગા પડ્યા હતા. હવે UAE સામે પણ તેઓ પોતાની બોલિંગથી પ્રભાવ પાડી શક્યા નહોતા.ક્રુણાલ બોલિંગ કરવા આવ્યા ત્યારે ખાલિદ શાહે તેમના પ્રથમ બંને બોલ પર છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ UAEએ 4.2 ઓવરમાં મેચ પૂરી કરી દીધી હતી.આ ટૂર્નામેન્ટમાં ક્રુણાલે અત્યાર સુધી 8 બોલ ફેંક્યા છે, જેમાં તેમને 7 છગ્ગા પડ્યા છે. આ આંકડા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બન્યા છે.

ગ્રુપ-Cમાં ભારત સૌથી નીચે
હોંગકોંગ સિક્સેસ ટૂર્નામેન્ટના ગ્રુપ-Cમાં ભારતીય ટીમની સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. ભારતે અત્યાર સુધી રમેલી બંને મેચમાં હારનો સામનો કર્યો છે અને ટીમ ગ્રુપમાં સૌથી નીચેના સ્થાને છે.બીજી તરફ UAEએ પોતાની બંને મેચ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાનની ટીમ બીજા સ્થાને છે. સતત બે હાર બાદ હવે ભારતીય ટીમ માટે આગામી મેચોમાં સારું પ્રદર્શન કરવું જરૂરી બની ગયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here