Health Tips : આમળા સ્વાસ્થ્ય માટે અનેક ગુણોથી ભરપૂર હોય છે, જેમાં વિટામિન ‘સી’ સહિતના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જોકે, તેનો ખાટો સ્વાદ દરેકને કાચા ખાવામાં પસંદ નથી હોતો અને તેનું જ્યુસ પણ ઘણા લોકોને નથી ભાવતું. જો તમે પણ આમળાના સ્વાસ્થ્યવર્ધક ફાયદા મેળવવા માંગતા હોવ, તો તેને ગાજર, સફરજન, આદુ કે ફુદીના જેવી ચીજો સાથે મિક્સ કરીને તેનો સ્વાદ બદલી શકો છો.
આમળાના જ્યુસને ટેસ્ટી અને હેલ્ધી બનાવવાની આ રહી 5 સરળ રીતો:
ગાજર અને આમળાનું જ્યુસ
આમળા અને ગાજર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ગાજરનો હળવો મીઠો સ્વાદ આમળાની ખટાશને બેલેન્સ કરવામાં મદદ કરે છે.
બનાવવાની રીત: સૌથી પહેલા 1 મધ્યમ આકારનું ગાજર અને 1-2 આમળાને ધોઈને નાના ટુકડા કરી લો અને આમળાના બીજ કાઢી લો. હવે ગાજર, આમળા અને અડધો ગ્લાસ પાણી મિક્સીમાં પીસી લો. જો તમને આદુનો સ્વાદ ગમતો હોય તો નાનો ટુકડો ઉમેરી શકો છો. જ્યુસને ગાળીને તાજું જ પીવો.

સફરજન અને આમળાનું જ્યુસ
આમળાની ખટાશ ઘટાડવા અને જ્યુસને વધુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં સફરજન મિક્સ કરી શકાય છે. સફરજનની કુદરતી મીઠાશ આ જ્યુસનો સ્વાદ એકદમ બદલી નાખે છે.
બનાવવાની રીત: 1 નાનું સફરજન અને 1-2 આમળા ધોઈને તેના બીજ કાઢીને નાના ટુકડા કરી લો. હવે બંને ફળોને પાણી સાથે મિક્સીમાં બ્લેન્ડ કરી લો. ફાઇબર જાળવી રાખવા માટે તમે તેને વગર ગાળ્યે પણ પી શકો છો. સ્વાદ માટે ઉપરથી એક ચપટી તજ પાવડર ઉમેરી શકો છો
.
આદુવાળું આમળા જ્યુસ
આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ ચા પીવાની ટેવ બદલીને તમે આ હેલ્ધી જ્યુસ ટ્રાય કરી શકો છો, પરંતુ આદુની માત્રા તમારા સ્વાદ મુજબ જ રાખવી.
બનાવવાની રીત: 2 આમળા અને અડધી ઇંચ આદુને ધોઈને નાના ટુકડા કરી લો અને આમળાના બીજ અલગ કરી લો. હવે બંનેને પાણી સાથે મિક્સીમાં પીસી લો. જ્યુસને ગાળીને ગ્લાસમાં કાઢી લો. જો ખટાશ વધુ લાગે તો સ્વાદ માટે થોડું મધ પણ ઉમેરી શકાય છે.
ફુદીનાવાળું આમળા જ્યુસ
આમળાના જ્યુસમાં ફુદીનો મિક્સ કરવાથી તેનો સ્વાદ અને સુગંધ બંને બદલાઈ જાય છે. જે લોકોને સાદું આમળાનું જ્યુસ વધુ ખાટું લાગે છે, તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.
બનાવવાની રીત: 2 આમળા અને 6-8 તાજા ફુદીનાના પાન ધોઈને આમળાના ટુકડા કરી બીજ કાઢી લો. હવે આમળા, ફુદીનાના પાન અને પાણીને મિક્સીમાં સારી રીતે બ્લેન્ડ કરી લો. તૈયાર મિશ્રણને ગાળી લો અને તેમાં એક ચપટી જીરું પાવડર તથા કાળું મીઠું ઉમેરીને તાજું જ પીવો.
ક્લાસિક આમળા જ્યુસ
જો તમે આમળાના સ્વાદમાં બહુ ફેરફાર કર્યા વગર બદલાતી મોસમમાં રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવા માંગતા હોવ, તો આ સરળ રીત અપનાવી શકો છો.
બનાવવાની રીત: 2 આમળાને ધોઈને નાના ટુકડા કરી બીજ કાઢી લો. હવે આમળાના ટુકડાને પાણી સાથે મિક્સીમાં પીસી લો. જ્યુસને ગાળી લીધા બાદ તેમાં સ્વાદ અનુસાર એક ચપટી જીરું પાવડર અને કાળું મીઠું ઉમેરીને સેવન કરો.

