કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કરતાં ઓસ્ટ્રેલિયાને 176 રને કારમી હાર આપી છે. મેચના પાંચમા દિવસે 288 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ 3 મેચોની ટેસ્ટ શ્રેણી 2-1 થી પોતાના નામે કરી લીધી છે.
સાયમન હાર્મરની સ્પિન સામે કાંગારૂ બેટરો લાચાર
ચોથી ઇનિંગ્સમાં 288 રન બનાવવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે કેપટાઉનની પિચ અત્યંત મુશ્કેલ સાબિત થઈ હતી. સ્પિનર સાયમન હાર્મરે ઘાતક બોલિંગ કરતાં માત્ર 16 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 4 વિકેટ સાથે સમગ્ર મેચમાં કુલ 10 વિકેટ લેવા બદલ સાયમન હાર્મરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે કગિસો રબાડાએ પણ ઝડપી બોલિંગથી ઓસ્ટ્રેલિયન ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.
તાસના પત્તાની જેમ વિખેરાઈ ઓસ્ટ્રેલિયન ટીમ
ઓસ્ટ્રેલિયાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને સ્કોરબોર્ડ પર માત્ર 5 રન નોંધાયા ત્યાં સુધીમાં બંને ટોચના બેટ્સમેનો મેટ રેનશો અને માર્નસ લાબુશેન પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ ટ્રેવિસ હેડે 14 રન અને કેમરૂન ગ્રીને 27 રન બનાવ્યા હતા, પરંતુ મિડલ ઓર્ડર તાસના પત્તાની જેમ ધરાશાયી થતાં એક સમયે ટીમની 6 વિકેટ માત્ર 42 રનમાં પડી ગઈ હતી.

કેપ્ટન કમિન્સ અને લાયનની છેલ્લી ઘડીની લડત
ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સે 11 રન અને નાથન લાયને 33 રન બનાવીને 9મી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હાર ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સાયમન હાર્મર અને કગિસો રબાડાની બોલિંગ સામે તેઓ લાંબો સમય ટકી શક્યા નહીં અને સમગ્ર કાંગારૂ ટીમ 57.1 ઓવરમાં 111 રનમાં જ સમેટાઈ ગઈ હતી
મેચનો સ્કોરબોર્ડ અને દક્ષિણ આફ્રિકાનું વળતું પ્રહાર
મેચમાં પ્રથમ બેટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં 329 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 429 રન બનાવીને 100 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. જોકે દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં જોરદાર વાપસી કરી 387 રનનો મોટો સ્કોર ખડકી ઓસ્ટ્રેલિયા સામે ચોથી ઇનિંગ્સમાં 288 રનનો પડકારજનક લક્ષ્યાંક મૂક્યો હતો.
કગિસો રબાડાએ રચ્યો નવો વિશ્વ વિક્રમ
આ મુકાબલા દરમિયાન ઝડપી બોલર કગિસો રબાડાએ 70 ટેસ્ટ મેચમાં પોતાના 350 વિકેટ પૂરા કર્યા હતા. આ સિદ્ધિ મેળવનાર તે દક્ષિણ આફ્રિકાનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો છે. જોકે ફેંકાયેલા બોલની સંખ્યાની દ્રષ્ટિએ રબાડાએ વિશ્વ વિક્રમ સર્જ્યો છે. રબાડાએ માત્ર 13,808 બોલમાં 350 વિકેટ ઝડપીને ડેલ સ્ટેનનો 14,719 બોલનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને વિશ્વ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં આ આંકડે પહોંચનાર બોલર બની ગયો છે.
WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને ખસ્યું
દક્ષિણ આફ્રિકાની આ જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) ના પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. ટોચ પર ચાલી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા ક્રમેથી સીધી ત્રીજા ક્રમે આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 13 મેચોમાંથી 9 જીતી છે અને 4 હારી છે, જેથી તેમનો જીત ટકાવારી દર 69.23 ટકા થયો છે.
બીજી તરફ આ જીત સાથે દક્ષિણ આફ્રિકા ત્રીજા ક્રમેથી બીજા ક્રમે પહોંચી ગયું છે. દક્ષિણ આફ્રિકાએ આ ચક્રમાં 5 જીત મેળવી છે અને 2 માં હારનો સામનો કર્યો છે, જેનાથી તેમની જીત ટકાવારી 71.43 ટકા થઈ છે અને ફાઇનલ માટેની દાવેદારી વધુ મજબૂત બની છે.
ન્યૂઝીલેન્ડ ટોચ પર, ભારત ચોથા સ્થાને યથાવત
આ પરિણામનો સૌથી મોટો ફાયદો ન્યૂઝીલેન્ડને થયો છે, જે હવે પોઈન્ટ્સ ટેબલમાં નંબર 1 પર આવી ગયું છે. ન્યૂઝીલેન્ડે 6 મેચમાંથી 4 જીત મેળવી છે, 1 હારી છે અને 1 ડ્રો રહી છે, જેમાં તેમના 52 પોઈન્ટ્સ અને જીત ટકાવારી 72.22 ટકા છે. ભારતીય ટીમ આ ટેબલમાં ચોથા ક્રમે યથાવત છે. ટીમે આ ચક્રમાં અત્યાર સુધી રમેલી 11 મેચોમાંથી 5 માં જીત મેળવી છે, 4માં હારનો સામનો કરવો પડ્યો છે અને 2 મેચ ડ્રો રહી છે, જેથી ભારતની જીત ટકાવારી 51.52 ટકા નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે WTC ની ફાઇનલ પોઈન્ટ્સ ટેબલની ટોચની 2 ટીમો વચ્ચે રમાય છે.

