વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તારમાં સુરક્ષાકર્મીઓ સાથે દિવાળીની ઉજવણી કરી, કહ્યું- જવાનોના બલિદાન અને સમર્પણથી નક્સલવાદનો અંત આવ્યો. દેશવાસીઓએ નક્સલવાદનો ભય દૂર કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે છત્તીસગઢના બસ્તારમાં સુરક્ષાકર્મીઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે વર્ષ 2026ની દિવાળી દેશ માટે ખાસ છે, કારણ કે ભારતે નક્સલવાદ અને માઓવાદી આતંક સામેની દાયકાઓ જૂની લડાઈ જીતી લીધી છે. આ પહેલી દિવાળી છે જ્યારે દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત છે અને કરોડો દેશવાસીઓ નક્સલવાદના ભયમાંથી બહાર આવ્યા છે.
આ વિસ્તારમાં નવી લહેર શરૂ થઇ છે
સુરક્ષાકર્મીઓને સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું કે એક સમયે બસ્તાર નક્સલવાદની સમસ્યાથી પ્રભાવિત હતો, પરંતુ હવે આ વિસ્તારમાં વિકાસની નવી લહેર શરૂ થઈ છે. તેમણે આ સફળતાનો શ્રેય સુરક્ષાકર્મીઓના સાહસ, સમર્પણ અને બલિદાનને આપ્યો હતો. PM મોદીએ કહ્યું, ‘તમે બધા મારા પરિવારનો હિસ્સો છો. આ વખતે હું બસ્તારનાં જંગલોમાં તમારી સાથે દિવાળી મનાવવા આવ્યો છું. આ એવી ધરતી છે જ્યાં એક સમયે નક્સલવાદનો ખતરો હતો. જોકે, તમારા બલિદાન અને સમર્પણને કારણે આ વિસ્તારમાંથી નક્સલવાદનો અંત આવ્યો છે અને વિકાસની નવી લહેર શરૂ થઈ છે.’

નક્સલવાદ અને માઓવાદનો ખાતમો
તેમણે વધુમાં કહ્યું કે વર્ષ 2026ની દિવાળી ખરેખર ખાસ છે. 40થી 50 વર્ષ બાદ આવી દિવાળી આવી છે. આ પહેલી દિવાળી છે જ્યારે દેશે નક્સલવાદ અને માઓવાદી આતંક સામેની દાયકાઓ જૂની લડાઈ જીતી છે. દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત થયો છે અને કરોડો દેશવાસીઓએ નક્સલવાદનો ભય દૂર કર્યો છે. PM મોદીએ કહ્યું કે આ અસાધારણ સફળતાનો મોટો શ્રેય દેશના લાખો બહાદુર જવાનો અને સુરક્ષાકર્મીઓને જાય છે. આ જ કારણ છે કે તેઓ તેમની સાથે દિવાળીની ઉજવણી કરવા બસ્તાર આવ્યા છે.
2014થી જવાનો સાથે દિવાળી મનાવવાની પરંપરા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014થી દર વર્ષે દિવાળીનો તહેવાર સુરક્ષાદળોના જવાનો સાથે મનાવતા આવ્યા છે. આ પરંપરાની શરૂઆત તેમણે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર ગણાતા સિયાચીન બેઝ કેમ્પથી કરી હતી. ત્યાર બાદ વર્ષ 2015માં પંજાબના અમૃતસર નજીક, 2016માં હિમાચલ પ્રદેશના ચીન સરહદ નજીક આવેલા સુમદોહ, 2017માં જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટર અને 2018માં ઉત્તરાખંડના હર્ષિલમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. વર્ષ 2019માં તેઓ નિયંત્રણ રેખા નજીક રાજૌરી, 2020માં રાજસ્થાનના જેસલમેરમાં લોંગેવાલા, 2021માં જમ્મુ-કાશ્મીરના નૌશેરા અને 2022માં કારગિલ પહોંચ્યા હતા. વર્ષ 2023માં હિમાચલ પ્રદેશના લેપચા, 2024માં ગુજરાતના કચ્છના સર ક્રીક અને 2025માં ગોવા-કારવારના દરિયાકાંઠે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
જવાનો સાથે સમય પસાર કરે છે વડા પ્રધાન
દિવાળીના આ કાર્યક્રમો દરમિયાન PM મોદી જવાનો સાથે સમય વિતાવે છે, મીઠાઈ વહેંચે છે અને દેશની સુરક્ષામાં સૈનિકોની ભૂમિકાની પ્રશંસા કરે છે. જ્યારે દેશના લોકો પરિવાર સાથે તહેવાર મનાવતા હોય છે, ત્યારે સરહદો અને સુરક્ષાની જવાબદારી નિભાવતા જવાનોનું મનોબળ વધારવા માટે તેઓ દર વર્ષે તેમની વચ્ચે પહોંચે છે.

