NATIONAL : બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! 19 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

0
3
meetarticle

બંગાળની ખાડીમાં સર્જાયેલું હવામાનનું દબાણ હવે વધુ મજબૂત બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સક્રિય ડીપ ડિપ્રેશન આગામી દિવસોમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ 19 નવેમ્બરની રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા માટે પ્રી-સાયક્લોન વોચ જાહેર કરી છે.

17 નવેમ્બર સુધીમાં ગંભીર વાવાઝોડાનું સ્વરૂપ લેશે

IMDના અનુમાન મુજબ, 16 નવેમ્બરની સાંજ સુધીમાં આ સિસ્ટમ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ 17 નવેમ્બરની સાંજ સુધીમાં તે ગંભીર ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 19 નવેમ્બરની રાત્રે તે આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક અત્યંત ગંભીર ચક્રવાત તરીકે પહોંચવાની શક્યતા છે.

145 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

વાવાઝોડું વધુ મજબૂત બનતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે. 19 નવેમ્બર સુધીમાં પવનની ઝડપ 120થી 130 કિમી પ્રતિ કલાક રહેવાની અને ઝાપટાં સાથે 145 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આ દરમિયાન દરિયામાં ઊંચાં મોજાં ઉછળવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ઓડિશા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 19 અને 20 નવેમ્બરે ઉત્તર તટીય આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. ઓડિશામાં પણ 19થી 21 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને 16થી 19 નવેમ્બર દરમિયાન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં દરિયો ન ખેડવાની સલાહ આપી છે. મધ્ય બંગાળની ખાડીમાં પણ 20 નવેમ્બર સુધી માછીમારોને ન જવા સૂચના આપવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here