અમદાવાદ ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ સતર્કતા ગ્રુપ દ્વારા અમદાવાદના સોલા વિસ્તારમાં “રંગલી રાત્રે પાર્ટીઓમાં જવું નહીં નહિતર રેપ કે ગેંગરેપ થઈ જશે” લખાણવાળા મહિલાઓ માટે અપમાનજનક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જે મુદ્દે AAP “પોલ ખોલ ટીમ”એ 1 દિવસ પહેલા ઉજાગર કર્યા હતા. આ સંદર્ભે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની “પોલ ખોલ ટીમ” દ્વારા પ્લે કાર્ડના માધ્યમથી અમદાવાદના ઇસ્કોન સર્કલ ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, મુખ્ય પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરન બારોટ, શિક્ષણ સમિતિના પ્રમુખ જીતુ ઉપાધ્યાય, લીગલ સેલ પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર, ચિરાગ દેસાઈ, યુનુસ મન્સૂરી, શુભમ ઠાકર, જીતેન્દ્ર કલાલ, પાવન શાહ, તારક ઠકરાર, નીલ ઠાકર, રાકેશ મહેરિયા, પ્રતીક સોલંકી, તીર્થ શ્રીમાળીએ આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ મુદ્દે આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમના સભ્ય જીતુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે એક તરફ બેટી બચાવોના નારા લગાવવામાં આવતા હોય અને બીજી બાજુ અમદાવાદમાં આવા પોસ્ટરો લગાવવામાં આવતા હોય છે ત્યારે આપણને શંકા ઉભી થતી હોય છે કે શું ગુજરાત સાચે જ સુરક્ષિત રાજ્ય છે કે નહીં? આ પોસ્ટરો ફક્ત કોઈ સંસ્થાએ જાતે નથી લગાવ્યા પરંતુ ટ્રાફિક પોલીસને સાથે રાખીને આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોલીસે આ મુદ્દે હાથ ઉંચા કરી લીધા છે તો અમારો સવાલ છે કે જો પોલીસ વિભાગની સાથે રાખીને આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તો શું પોસ્ટર લગાવનારા એ પોલીસ વિભાગની પરમિશન લીધી ન હતી? માટે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ મુદ્દા પર એક મજબૂત તપાસ થવી જોઈએ. જે પણ અધિકારીઓએ આ મહિલા વિરોધી પોસ્ટરોને એપ્રૂ કર્યા હોય તેના પર કડકમાં કડક એક્શન લેવામાં આવે, જેનાથી ભવિષ્યમાં બીજા કોઈ એનજીઓ કે ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતના પોસ્ટરો લગાવવામાં આવે નહીં. આમ તો વાતો કરવામાં આવતી હોય છે કે અમદાવાદ ગુજરાતનું સૌથી સુરક્ષિત શહેર છે અને થોડા સમય પહેલા અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર પણ ઘોષિત કરવામાં આવ્યું હતું. ત્યારે આ મહિલા વિરોધી પોસ્ટરો અમદાવાદના ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા લગાવવામાં આવ્યા એ દર્શાવે છે કે આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલી હાલતમાં છે અને ગુજરાતમાં બહેન દીકરીઓ સુરક્ષિત નથી. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 6500થી બળાત્કારની ઘટનાઓ ઘટી છે અને 35થી વધારે સામૂહિક બળાત્કારની પણ ઘટનાઓ ઘટી છે. અને હવે આ રીતના પોસ્ટરો લાગ્યા છે તો તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ પ્લે કાર્ડ દર્શાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
આમ આદમી પાર્ટી ગુજરાત


