વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 9 જુલાઈના રોજ સર્જાયેલા આ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન.એમ. નાયકાવાલા, હાલના નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ, પૂર્વ નાયબ કાર્યપાલક ઇજનેર આર.ટી. પટેલ અને મદદનીશ ઇજનેર જે.વી.શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારે સસ્પેન્ડ કરેલા 4 ઈજનેર-નિવૃત્ત કાર્યપાલક ઇજનેરની મિલકત ચકાસવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટ્યા બાદ એકાએક જાગેલી ગુજરાત સરકારે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની મિલકત ચકાસવા માટે દુર્ઘટનાના 23 દિવસે SITની રચના કરાઈ છે. જેમાં સરકારે 6 એસીબી અધિકારીઓની તપાસ સમિતિ બનાવી છે. આ SITની રચના ACBના સંયુક્ત નિયામક મકરંદ દેસાઇની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. SIT દ્વારા ચાર સસ્પેન્ડેડ ઇજનેરો ઉપરાંત એક નિવૃત્ત અધિકારીની પણ તપાસ કરવામાં આવશે. જેમાં 2024 માં નિવૃત્ત થયેલા કાર્યપાલક ઇજનેર કે.બી. થોરાટની સંપત્તિની પણ તપાસ કરાશે.


