Wednesday, May 1, 2024
Homeવિદાય : વીતેલાં વર્ષોનાં અભિનેત્રી નિમ્મીનું 87 વર્ષની વયે અવસાન, ‘બરસાત’, ‘આન’,...
Array

વિદાય : વીતેલાં વર્ષોનાં અભિનેત્રી નિમ્મીનું 87 વર્ષની વયે અવસાન, ‘બરસાત’, ‘આન’, ‘કુંદન’થી જાણીતાં થયેલાં

- Advertisement -

એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોના જમાનાનાં મશહૂર અદાકારા નિમ્મીનું લાંબી બીમારીને અંતે 25 માર્ચે સાંજે અવસાન થયું. 87 વર્ષનાં નિમ્મી પાછલા ત્રણ દિવસથી મુંબઈના જુહુમાં આવેલી એક હોસ્પિટલમાં દાખલ હતાં. નિમ્મીના પતિ એસ. અલી રઝાનું 2007માં જ અવસાન થઈ ગયું હતું અને નિમ્મી પોતાની ભત્રીજી પરવીનની સાથે જુહુમાં રહેતાં હતાં. નિમ્મીની અંતિમક્રિયા ગુરુવારે બપોરે કરવામાં આવશે. છેલ્લા થોડા સમયથી નિમ્મીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ઉપરાંત તેમને ડિમેન્શિયા એટલે કે યાદશક્તિ જતી રહેવાની પણ તકલીફ હતી.

નિમ્મીએ રાજ કપૂર, નરગિસ અને પ્રેમનાથ સ્ટારર ફિલ્મ ‘બરસાત’ (1949)થી ફિલ્મી કારકિર્દીની ધમાકેદાર શરૂઆત કરી હતી.  એ પછી 1950ના દાયકામાં એમની અન્ય ફિલ્મો ‘દીદાર’, ‘આન’, ‘કુંદન’, ‘દાગ’, ‘બસંત બહાર’ વગેરેમાં પણ એમના અભિનયની ભારે પ્રશંસા થઈ હતી.

રાજ કપૂરે નામ આપેલું ‘નિમ્મી’
18 ફેબ્રુઆરી, 1933ના રોજ નવાબ બાનુ તરીકે આગ્રામાં જન્મ્યાં હતાં. નિમ્મીનાં માતા પણ ગાયિકા અને અભિનેત્રી હતાં, જેમનાં ‘મધર ઈન્ડિયા’ ફેમ ફિલ્મમેકર મહેબૂબ ખાન સાથે સારો એવો પરિચય હતો. માત્ર અગિયાર વર્ષની વયે માતાને ગુમાવનારાં નિમ્મી ભાગલા વખતે થોડો સમય પાકિસ્તાનના અબોટાબાદમાં પણ રહેલાં, જ્યાંથી તેઓ પોતાનાં નાની સાથે મુંબઈ આવી ગયેલાં. નિમ્મીનાં માસી જ્યોતિ પણ અભિનેત્રી હતાં અને જ્યોતિના પતિ જી. એમ. દુર્રાની ગાયક અને સંગીતકાર હતા.

માતાના સંપર્કોને કારણે ટીનએજર નિમ્મીને મહેબૂબ ખાનની ખ્યાતનામ ફિલ્મ ‘અંદાઝ’ના સેટ પર જવા મળ્યું. દિલીપ કુમાર-રાજ કપૂર અને નરગિસ સ્ટારર એ ફિલ્મના સેટ પર જ રાજ કપૂરની નજર નિમ્મી પર પડી હતી. નિમ્મીની બોડી લેંગ્વેજ અને સ્ક્રીનને અનુરૂપ ચહેરો જોઈને એમણે પોતાની ફિલ્મ ‘બરસાત’માં તેને કાસ્ટ કરવાનું વિચાર્યું. આમેય તેઓ ફિલ્મમાં પ્રેમનાથની અપોઝિટ કોઈ યંગ ચહેરાની શોધમાં હતા. આ અદાકારાને રાજ કપૂરે ‘નિમ્મી’ તરીકેનું સ્ક્રીનનેમ આપ્યું હતું. રાજ કપૂર, નરગિસ, પ્રેમ નાથ જેવા ધરખમ કલાકારો હોવા છતાં નિમ્મીએ દર્શકો અને વિવેચકોની ભરપૂર પ્રશંસા મેળવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લિશ થઈ ગઈ.

પોતાની પ્રમાણમાં ટૂંકી છતાં તેજસ્વી કારકિર્દીમાં નિમ્મીએ રાજ કપૂર, દેવ આનંદ, દિલીપ કુમાર, અશોક કુમાર, કિશોર કુમાર, ભારત ભૂષણ, સુનીલ દત્ત જેવા અદાકારો સાથે કામ કર્યું અને ઘણી સુપરહિટ ફિલ્મો આપી.

ઈ.સ. 1965માં નિમ્મીએ ફિલ્મ રાઈટર એસ. અલીરઝા સાથે નિકાહ કરી લીધાં એ પછી એમણે કોઈ નવી ફિલ્મ સાઈન કરી નહીં. એમની છેલ્લી ફિલ્મ 1986માં આવેલી કે. આસિફની એપિક મુવી ‘લવ એન્ડ ગોડ’ હતી, જેમાં શરૂઆતમાં ગુરુદત્તને સાઈન કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના અકાળ અવસાન પછી તે ભૂમિકા સંજીવ કુમારને આપવામાં આવી હતી. ‘લવ એન્ડ ગોડ’ ફિલ્મનો પોતાનો ઈતિહાસ છે, કેમ કે 1963માં શરૂ થયેલી તે ફિલ્મને પૂરી થઈને રિલીઝ થતાં છેક 23 વર્ષ લાગી ગયાં હતાં. ખુદ ડિરેક્ટર કે. આસિફ 1971માં અને ફિલ્મના હીરો સંજીવ કુમાર ફિલ્મની રિલીઝ પહેલાં 1985માં અવસાન પામ્યા હતા.

નિમ્મીના પતિ એસ. અલીરઝાની રાઈટિંગ ક્રેડિટમાં ‘અંદાઝ’, ‘મધર ઈન્ડિયા’, ‘સરસ્વતીચંદ્ર’, ‘રેશમા ઔર શેરા’ જેવી ફિલ્મો બોલે છે.

નિમ્મી અને અલીરઝાને કોઈ સંતાન નહોતું. એમણે નિમ્મીની બહેનના દીકરાને દત્તક લીધો હતો, જે અત્યારે લંડનમાં રહે છે.

નિમ્મીના અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી પણ શ્રદ્ધાંજલિઓનો ધોધ થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular