દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે એક કારમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે તાત્કાલિક અસરથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટે આદેશો જારી કર્યા છે.આ એલર્ટના પગલે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં ભીડભાડવાળા વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન, મોલ, એરપોર્ટ અને અન્ય જાહેર સ્થળોએ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં ધાર્મિક સ્થળો, ખાસ કરીને મોટા મંદિરો પર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

દિલ્હી બ્લાસ્ટની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, સુપ્રસિદ્ધ દ્વારકા જગત મંદિરમાં પણ સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે. ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા તમામ ભક્તોને સઘન ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.રાજ્ય પોલીસ વડાએ તમામ જિલ્લા પોલીસ વડા, કમિશનર અને રેન્જ આઈજીને પોતપોતાના વિસ્તારોમાં સક્રિય રહેવા અને હોટલો, ગેસ્ટ હાઉસ તથા શંકાસ્પદ વાહનોની ઝીણવટભરી તપાસ કરવા માટે તાકીદ કરી છે. ગુજરાતમાં પ્રવેશવાના અને બહાર જવાના મુખ્ય માર્ગો પર પોલીસે નાકાબંધી કરી છે.
જિલ્લા પોલીસની LCB, SOG, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ અને સ્નિફર ડૉગ સ્ક્વૉડ સહિતની વિશેષ ટીમો વિવિધ મહત્ત્વપૂર્ણ સ્થળો પર સઘન ચેકિંગ સાથે સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસને એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર પણ વિશેષ નજર રાખવા અને કામગીરીનો રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ગુજરાત ATS દ્વારા ત્રણ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમણે પૂછપરછ દરમિયાન દિલ્હીમાં પણ રેકી કરી હોવાની કબૂલાત કરી હતી. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને, ATSના અધિકારીઓએ દિલ્હી કાર બ્લાસ્ટના મોડ્યુલ અંગે પણ માહિતી એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે, જેથી આ ઘટનાના તાર ગુજરાત સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારી શકાય.

