AHMEDABAD : નાના ચીલોડા પાસે એક કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, એકની અટકાયત

0
14
meetarticle

અમદાવાદના નરોડામાં PCB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાના ચીલોડા પાસેથી આગળ સુતરના કારખાનાવાળા બ્રિજ નજીક શંકાસ્પદ કન્ટેનર અટકાવી તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ખોટી બિલ્ટી બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે કન્ટેનર જપ્ત કરી ડ્રાઇવરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

23 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત

મળતી માહિતી મુજબ, રાજસ્થાન પાસિંગના કન્ટેનરમાં હરિયાણાના હિસ્સારથી દારૂ લઈ અમદાવાદના અસલાલી તરફ લઈ જવાતો હતો. સાઇકલના માલ તરીકે ખોટી બિલ્ટી બનાવી દારૂ છુપાવવામાં આવ્યો હતો. PCB દ્વારા તપાસ દરમિયાન કન્ટેનરમાંથી કુલ 23,232 બોટલો (892 પેટી) મળી આવી છે, જેની અંદાજિત કિંમત 1,08,11,184 રૂપિયા થાય છે.આ ઉપરાંત પોલીસે એક મોબાઇલ ફોન (કિંમત રૂપિયા 10,000), રોકડા 1,450 રૂપિયા અને અંદાજે 20 લાખ રૂપિયા કિંમતનું કન્ટેનર જપ્ત કર્યું છે. કુલ મળી 1,28,22,634 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે મંગીરામ નિહાલસિંહ જાત, રહેવાસી સાદપુરા ગામ (રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યો છે. PCB દ્વારા આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here