GUJARAT : સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે ડુમસ સી ફેસનું લોકાર્પણ કર્યું પણ સાંજે સાત વાગ્યે લાગે છે તાળા

0
112
meetarticle

સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે સુરતીઓ માટે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટનો પહેલો ફેઝ ખુલ્લો મુક્યો છે. સુરતીઓ માટે આ ડુમસ સી ફેસ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને પહેલા જ વીક એન્ડમાં ઓવર ક્રાઉડ થઈ ગયો હતો. જોકે, પાલિકાએ ડુમસ સી ફેસ માટે સાત વાગ્યાની સમય મર્યાદા કરી હોય સુરતીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મોડી સાંજથી રાત્રી સુધી ફરવા માટે ટેવાયેલા સુરતીઓને પાલિકાની સમય બંધી યોગ્ય નથી લાગતી. સી ફેસની મુલાકાત લેનારા સુરતીઓ આક્રોશથી કહે છે 166 કરોડના ખર્ચ પછી સાંજે સાત વાગ્યે બંધ કરી દેવો યોગ્ય નથી અન્ય પ્રોજેક્ટની જેમ સમય મર્યાદા લંબાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં છે. 

ખાણી પીણીના શોખીન સુરતીઓ નોકરી ધંધાથી આવ્યા બાદ મોડી રાત્રી સુધી ફરવા માટે ટેવાયેલા છે અને તેમના માટે પાલિકાએ બનાવેલો ડુમસ સી ફેસ હોટ ફેવરિટ બન્યો છે. પરંતુ પ્રોજેક્ટ લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ આ પ્રોજેક્ટની સમય મર્યાદા સુરતીઓને અકળાવી રહી છે. 166 કરોડના ખર્ચ બાદ પાલિકાએ પ્રોજેક્ટની સમય મર્યાદા સાંજના સાત વાગ્યાની રાખી છે અને સાત વાગ્યે મુલાકાતીઓને બહાર કાઢવામા આવે છે તેના કારણે સુરતીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સી ફેસની મુલાકાતે આવેલા લોકો પાલિકા તંત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. મુલાકાતીઓનું કહેવું છે કે 166 કરોડનો ખર્ચ કરીને બનાવેલો પ્રોજેક્ટ જો સાંજે 7 વાગ્યે જ બંધ કરી દેવાનો હોય તો લોકો તેનો આનંદ કેવી રીતે માણી શકે ? શહેરમાં દિવસ દરમિયાન ગરમી વધુ હોય છે અને મોટાભાગના લોકો કામકાજ બાદ સાંજે ફરવા નીકળતા હોય છે. પરંતુ સી ફેસ પર સાંજ પડતા જ તાળા મારી દેવામાં આવતા લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે.

 કેટલાક મુલાકાતીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે “પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પ્રોજેક્ટ બનાવે છે, પરંતુ લોકો તેનો આનંદ લઈ શકે તેવી યોગ્ય વ્યવસ્થા કરતા નથી. શહેરના અન્ય સ્થળો પર મોડી રાત સુધી લોકો ફરતા હોય છે તો અહીં કેમ સાંજે જ લોકોને બહાર કાઢી દેવામાં આવે છે ?

 ડુમસ દરિયા કિનારાની ઠંડી હવા અને સાંજ બાદનું વાતાવરણ જ આ વિસ્તારનું સૌથી મોટું આકર્ષણ છે. દિવસ દરમિયાન અહીં ગરમી અને તડકાના કારણે ઓછા લોકો આવે છે, જ્યારે સાંજ પછી પરિવાર સાથે સમય પસાર કરવા મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચતા હોય છે. આવી સ્થિતિમાં સાંજે 7 વાગ્યે જ પ્રવેશ બંધ કરી દેવો લોકોને અયોગ્ય લાગી રહ્યો છે. 

સુરતીઓનું સ્પષ્ટ કહેવું છે કે જો પાલિકા શહેર માટે 166 કરોડનો પ્રોજેક્ટ ઊભો કરે છે તો લોકો તેને મોડી સાંજ સુધી માણી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને મુલાકાતીઓ માટે આ પ્રોજેક્ટ રાત્રીના 11 વાગ્યા સુધી ખુલ્લો રાખવો જોઈએ તેવી માંગણી થઈ રહી છે. જો પાલિકા સમય મર્યાદામાં ફેરફાર નહીં કરે તો આગામી દિવસોમાં આ મુદ્દે પાલિકાએ સુરતીઓનો રોષનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. 

એક દિવસમાં ડુમસ સી ફેસમાંથી 300 કિલો કચરો પાલિકાએ ઉલેચ્યો 

સુરત પાલિકાના ડુમસ સી ફેસ પ્રોજેક્ટ વીક એન્ડમાં ઓવર ક્રાઉડેડ થયો હતો અને સમય મર્યાદાના કારણે વિવાદમાં છે તો બીજી તરફ પાલિકાએ અહીં આવતા લોકોને કચરાના સેગ્રીગેશન માટે જાગૃતિ કરવા પ્રયાસ કર્યો છે. પાલિકાએ પર્વારણ પ્રેમી સંસ્થાઓ સાથે મળીને ડુમસ સી ફેસ અને દરિયા ગણેશ મંદિર પાસે બીચ પર વિવિધ સ્ટોલ અને ગ્રુપ બનાવીને મોટા સ્પીકર લગાવી સમજણ આપી હતી. અને  ડુમસ સી ફેસ અને ડુમસ બીચની આજુબાજુના વિસ્તારમાંથી સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા અંદાજે 300 કિલો જેટલા કચરો પાલિકાએ ઉલેચ્યો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here