ભરૂચમાં 250 વર્ષ જૂના ઐતિહાસિક છડી ઉત્સવના ભાગરૂપે તાજેતરમાં એક ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઠી યુવક મંડળ અને ધર્મેશ સોલંકીના સંયુક્ત ઉપક્રમે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આ ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો.
સુરતના જાણીતા ગાયક રાજા સૂફી અને તેમના ગ્રુપે જાહેરવીર ગોગાજી મહારાજના જીવન પર આધારિત ભજનો રજૂ કર્યા, જેનાથી શ્રોતાઓ ભાવવિભોર થઈ ગયા હતા. ભજનોનું મધુર સંગીત અને શક્તિશાળી રજૂઆતથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ કાર્યક્રમમાં ભરૂચના લાલબજાર વાલ્મીકિ વાસના નયન મહારાજે પણ ગોગાજી મહારાજના સોયલા (ભજન) પરંપરાગત શૈલીમાં રજૂ કર્યા હતા, જેને સાંભળીને અનેક ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી.
આ ભજન સંધ્યામાં વાલ્મિકી સમાજના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ખારવા માછીમાર સમાજ અને ભોઈ (જાદવ) સમાજના યુવાનોની હાજરીથી કાર્યક્રમ વધુ યાદગાર બન્યો હતો, જેણે સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમ છડી ઉત્સવની ભવ્યતામાં વધારો કરનારું એક નોંધપાત્ર આયોજન બની રહ્યું હતું.


