AIIMS માંથી ડૉકટરો નોકરી છોડીને જઈ રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. માહિતી પ્રમાણે 2022થી 2024 સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા દિલ્હી AIIMS માંથી 52 ડૉકટરોએ રાજીનામુ આપી દીધું, દિલ્હી AIIMS માં 1,306 મંજૂર જગ્યાઓમાંથી 462 (35%) જગ્યાઓ ખાલી પડી છે.
દેશભરના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ડોક્ટરોની અછત એક મોટી સમસ્યા બની ગઈ છે. સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે, 2022થી 2024 વચ્ચે 20 AIIMSમાંથી 429 ડૉકટરોએ રાજીનામુ આપ્યું છે. આવી સ્થિતિમાં AIIMSમાંથી ડૉકટરોનું છોડીને જવું એક ચિંતાનો વિષય બની ગયો છે.
સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે સૌથી વધુ 52 ડૉકટરએ દિલ્હી AIIMS છોડ્યું છે, જે સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે. આ પછી ઋષિકેશનો નંબર આવે છે, જ્યાંથી 38 ડૉકટરોએ રાજીનામા આપ્યા. રાયપુર AIIMSથી 35, બિલાસપુર AIIMSથી 32 અને મંગલાગિરીથી 30 ડૉકટરએ રાજીનામા આપ્યા. માહિતી અનુસાર, ખાનગી સેક્ટરમાં પગાર AIIMSની સરખામણીમાં ચારથી દસ ગણો વધારે છે.
ફેકલ્ટીના પદ ખાલી
આંકડા પ્રમાણે, 20 AIIMSમાં દર ત્રણમાંથી એક ફેકલ્ટીનું પદ ખાલી છે. દિલ્હી AIIMSમાં 1,306 મંજૂર જગ્યાઓમાંથી 462 (35%) જગ્યાઓ ખાલી પડી છે. ભોપાલ AIIMSમાં 23% અને ભુવનેશ્વરમાં 31% પદ ખાલી પડ્યા છે. સરકારે નિવૃત્ત ફેકલ્ટીઓને કોન્ટ્રાક્ટ પર રાખવા અને વિઝિટિંગ ફેકલ્ટી પર રાખવાની યોજના શરૂ કરી છે, પરંતુ ડૉકટરો એવું માને છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ નથી.
AIIMS રાયબરેલીની સ્થિતિ
રાયબરેલી AIIMSમાં પણ ડૉકટરોની ભારે અછત છે. અહીં 200 સિનિયર રેસિડેન્ટ ડૉકટરના મંજૂર કરાયેલા પદોમાંથી 80%થી વધુ જગ્યાઓ ખાલી છે. મેડિકલ ફેકલ્ટીના 200 મંજૂર કરાયેલા પદોમાંથી લગભગ અડધાથી વધારે જગ્યાઓ ખાલી પડી છે. આ અછતને કારણે હોસ્પિટલ પોતાની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે કામ કરી શકતું નથી અને સર્જરી માટે દર્દીઓએ દોઢ વર્ષ સુધી રાહ જોવી પડી રહી છે.
ડૉકટરોની અછતનું કારણ શું?
ડૉકટરોની અછત પાછળ ઘણા કારણો છે. રાયબરેલી AIIMSમાં કર્મચારીઓ માટે પૂરતા આવાસ નથી. કેમ્પસ પાસે ગ્રામીણ વિસ્તાર છે, જેના લીધે કનેક્ટિવિટીની પણ સમસ્યા થાય છે. હાઉસ રેન્ટ એલાઉન્સ પણ ઘણું ઓછું છે કારણ કે રાયબરેલી ટિયર 3 શહેરમાં આવે છે. આ સિવાય 9 એકર જમીનના કારણે કેમ્પસની બાઉન્ડ્રી વોલ બની શકી નથી, જેનાથી સુરક્ષાની સમસ્યા પણ છે
મૂળભૂત સુવિધાઓનો અભાવ
ઘણા ડૉકટરોનું કહેવું છે કે નવા AIIMSમાં જરૂરી સુવિધાઓની અછત છે. કેમ્પસની નજીક સારી સ્કૂલો અને શોપિંગ કોમ્પ્લેક્સ નથી. નેટવર્કની સમસ્યા પણ છે, જેનાથી ઓનલાઈન સર્વિસીસનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ છે. એક ડૉકટરે જણાવ્યું કે દિલ્હી જેવા મહાનારોની સરખામણીમાં આ શહેરોની જીવનશૈલી યુવા ડૉકટરોને આકર્ષિત નથી કરી શકતી.
AIIMSની દયનીય સ્થિતિ પર રાજકીય હલચલ
અમેઠીના સાંસદ કેએલ શર્માએ કહ્યું કે રાયબરેલી AIIMSની સ્થિતિ પર સાંસદ રાહુલ ગાંધીએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યું કે સરકારે સ્ટાફની સંખ્યા ઓછી કરી દીધી છે અને 960 બેડના હોસ્પિટલને 610 બેસ સુધી સીમિત કરી દીધી છે. રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં મેનપાવર અને મૂળભૂત સુવિધાઓની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સિનિયર ફેકલ્ટીની અછત
દેશના 12 એઇમ્સમાં પ્રોફેસરના અડધાથી વધુ પદ ખાલી છે. એઇમ્સ જમ્મૂમાં 33માંથી 29 જગ્યાઓ ખાલી છે, જયારે રાયબરેલીમાં 26 જગ્યાઓ ખાલી છે. એડિશનલ અને એસોસિએટ પ્રોફેસરના પદની સ્થિતિ પણ આવી જ છે. ડૉકટરોનું કહેવું છે કે પ્રાઇવેટ સેક્ટરમાં મળી રહેલા સારા પગાર અને સુવિધાઓના અભાવને કારણે અનુભવી ડૉકટરો AIIMSમાં રોકાવા માંગતા નથી.
આસિસ્ટન્ટ પ્રોફેસર્સથી ચલાવવું પડી રહ્યું છે કામ
આસિસ્ટન્ટ પ્રોફેસર્સની સંખ્યાએ જ એઇમ્સમાં ડૉકટરોની ગણતરી જાળવી રાખી છે. ઓછા અનુભવ સાથે પણ આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકાય છે, એટલા માટે આ પદ પર વધારે ભરતી થઈ છે. જો કે અન્ય સુવિધાઓની અછતને કારણે આ ડૉકટરો પણ વધારે સમય નથી રોકાતા. રાયબરેલી એઇમ્સમાં જુનિયર રેસિડેન્ટ ડૉકટર પણ ઓછા છે.
સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ ફેબ્રુઆરી 2025માં રાજ્યસભામાં જણાવ્યું હતું કે જુદા-જુદા AIIMSમાં મંજૂર કરાયેલા પદો પર ભરતી કરવી એ એક સતત ચાલી પ્રક્રિયા છે. તેમણે કહ્યું હતું કે સરકાર ખાલી પદોને જલ્દી ભરવા માટે પગલાં ભરી રહી છે. જો કે વિપક્ષ અને ડૉકટરો એવું માને છે કે આ પૂરતું નથી અને આ સમસ્યા માટે એક કાયમી ઉકેલની જરૂર છે.


