ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચના મુજબ, ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ‘તેરા તુજ કો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ગુનાના કામે જપ્ત થયેલા મુદ્દામાલને ઝડપી કોર્ટ કાર્યવાહી બાદ મૂળ માલિકોને પરત આપવાની અનોખી પહેલ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ અને I/C પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. રાઠોડની આગેવાનીમાં, પોલીસે ત્રણ અલગ-અલગ કેસમાં કુલ રૂ. ૭,૧૧,૧૭૦/-નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે.
કેસ ૧: ચોરી થયેલા દાગીના અને રોકડ પરત
પોલીસે એક ચોરીના કેસમાં ફરિયાદીને રૂ. ૩,૯૨,૭૭૦/-ની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ પરત આપી છે. જેમાં નીચે મુજબનો મુદ્દામાલ સામેલ છે:
* સોનાની ચેઇન: ૧ નંગ, વજન ૨૯.૯૭૦ ગ્રામ, કિંમત રૂ. ૨,૫૮,૧૩૦/-
* પેન્ડલ સાથેની સોનાની ચેઇન: ૧ નંગ, વજન ૧૦.૭૭૦ ગ્રામ, કિંમત રૂ. ૯૨,૧૬૦/-
* સોનાની વીંટી: ૩ નંગ, વજન ૧.૮૭૦ ગ્રામ, કિંમત રૂ. ૧૧,૫૮૦/-
* સોનાના પેન્ડલ: ૨ નંગ, વજન ૧.૮૫૦ ગ્રામ, કિંમત રૂ. ૧૧,૯૦૦/-
* રોકડ: રૂ. ૧૯,૦૦૦/-
કેસ ૨: ચોરી થયેલી સોનાની બંગડીઓ પરત
અન્ય એક કેસમાં, ચોરી થયેલી રૂ. ૨,૪૭,૪૦૦/-ની કિંમતની સોનાની બંગડીના ટુકડા (૪ નંગ) પણ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે.
કેસ ૩: CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા મોબાઇલ ફોન મળ્યા
ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા ૩ મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે, જેની કુલ કિંમત રૂ. ૭૧,૦૦૦/- છે. આ ફોન પણ તેમના મૂળ માલિકોને પરત કરી દેવામાં આવ્યા છે.
ભરૂચ પોલીસની આ કામગીરીથી ફરિયાદીઓને તેમનો મુદ્દામાલ ઝડપથી પાછો મળતા પોલીસ પ્રત્યેનો તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેમ ભરૂચ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.


