સાઉથ સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણના અંગત જીવનને લઈને એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 55 વર્ષીય પવન કલ્યાણ અને તેમની રશિયન મૂળની પત્ની એન્ના કોનિડેલાએ લગ્નના 13 વર્ષ બાદ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
સોમવારે મોડી રાત્રે જનસેના પાર્ટીના સત્તાવાર મીડિયા ગ્રુપમાં એક સંયુક્ત નિવેદન જાહેર કરીને બંનેએ આ વાતની પુષ્ટિ કરી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લાંબો સમય સાથે વિતાવ્યા બાદ પરસ્પર સન્માન અને સમજણ સાથે બંનેએ લગ્નજીવનનો અંત આણવાનો ફેંસલો કર્યો છે.
આ સંયુક્ત નિવેદનમાં બંનેએ સ્પષ્ટ કર્યું છે કે લગ્નજીવન પૂરું થઈ રહ્યું હોવા છતાં તેઓ હંમેશા સારા મિત્રો બની રહેશે અને પોતાના બંને બાળકોના માતા-પિતા તરીકેની જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવતા રહેશે. તેમણે મીડિયા અને ચાહકોને આ ભાવનાત્મક તબક્કામાં તેમની અંગત જિંદગી (પ્રાઈવસી)નું સન્માન કરવાની પણ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે પવન કલ્યાણ અને એન્નાની મુલાકાત 2011માં ફિલ્મ ‘તીન માર’ના શૂટિંગ દરમિયાન થઈ હતી, જેના બે વર્ષ બાદ સપ્ટેમ્બર 2013માં બંનેએ લગ્ન કર્યા હતા.

નોંધનીય છે કે પવન કલ્યાણના આ ત્રીજા ડિવોર્સ હશે. આ પહેલાં તેમણે 1997માં નંદિની સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, જે 2008માં તૂટ્યા હતા. ત્યારબાદ 2009માં તેમણે અભિનેત્રી રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2012માં તેમના પણ છૂટાછેડા થઈ ગયા હતા. વર્ષ 1996થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય અને હાલમાં જ ‘ઉસ્તાદ ભગત સિંહ’માં જોવા મળેલા પવન કલ્યાણ ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મ ‘OG 2’માં નજરે પડશે.
ફિલ્મ અભિનયની સાથે તેઓ આંધ્રપ્રદેશના રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

