BREAKING NEWS : રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર

0
28
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા શહેરના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં અને ટી.પી. રોડ પર ખડકાયેલા 1492 જેટલા ગેરકાયદે બાંધકામો પર આગામી સોમવારે એટલે કે 23 ફેબ્રુઆરીએ બુલડોઝર ફેરવવામાં આવશે. આ કામગીરી પૂર્વે આજે શનિવારે તંત્ર દ્વારા વિસ્તારમાં શક્તિ પ્રદર્શન અને સમજાવટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શનિવારે 7 રૂટ પર ફૂટ પેટ્રોલિંગ અને ચેતવણી

આજે 21 ફેબ્રુઆરી, શનિવારે સવારથી જ ભક્તિનગર સર્કલ પાસે આવેલી શેઠ હાઈસ્કૂલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે.

કર્મચારીઓની સંખ્યા: મનપાના 1200 અને પોલીસ વિભાગના 1500 મળી કુલ 2700થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ એકત્ર થયા છે.

ફૂટ પેટ્રોલિંગ: જંગલેશ્વરની 78 સોસાયટીઓ અને ગલીઓને 7 રૂટમાં વહેંચી દેવામાં આવી છે. અધિકારીઓની ટુકડીઓ સાંજે 6 વાગ્યા સુધી આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરશે.

અંતિમ સમજાવટ: તંત્ર દ્વારા દબાણકારોને ઘર અને સામાન ખાલી કરી દેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે, જેથી ડિમોલિશન સમયે કોઈ ઘર્ષણ કે જાનમાલનું નુકસાન ન થાય.

23 ફેબ્રુઆરીએ મેગા ડિમોલિશનનો એક્શન પ્લાન

રાજકોટ મનપાએ 18 ફેબ્રુઆરીએ સત્તાવાર જાહેરાત કરી હતી કે સોમવાર સવારથી જ આજી નદીના કાંઠે આવેલા દબાણો તોડી પાડવામાં આવશે. આજી નદીનો પટ્ટો અને નગર રચના યોજના (TP) નંબર 6 હેઠળનો 15 મીટરનો રોડ. કુલ 1492 ગેરકાયદે મિલકતો હટાવાશે. જો બે દિવસમાં દબાણકર્તાઓ સ્વેચ્છાએ મકાનો ખાલી નહીં કરે તો તંત્ર બળપ્રયોગ કરશે અને તે દરમિયાન થનારા કોઈ પણ નુકસાનની જવાબદારી તંત્રની રહેશે નહીં.

તમામ વિભાગોનું સંકલન

આ મેગા ઓપરેશનમાં મનપાના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા અને વિજિલન્સ સમિતિ સીધી દેખરેખ રાખી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર કચેરી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજી નદીના શુદ્ધિકરણ અને રસ્તાના અમલીકરણ માટે આ કામગીરી અત્યંત જરૂરી હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here