રાજ્ય સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોને આપવામાં આવતી નોટિસનો વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિએ આક્રોશપૂર્વક વિરોધ કર્યો છે. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર NFSA (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) હેઠળ ગરીબ અને આદિવાસી પરિવારોના હકો છીનવી રહી છે, જે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. રાજ્યના અનેક જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોની અનાજ મેળવવાની પાત્રતાની ચકાસણી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિએ આ કાર્યવાહીને ગરીબ વિરોધી ગણાવી છે. આ મામલે વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ અને અન્ય આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ.
આવેદનપત્રમાં કોંગ્રેસે સરકારને તાત્કાલિક આ નોટિસો પરત ખેંચવાની અને ગરીબ પરિવારોના હકો સુરક્ષિત રાખવાની માંગ કરી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે એક તરફ સરકાર ગરીબોના કલ્યાણની વાતો કરે છે, જ્યારે બીજી તરફ NFSA હેઠળ મળતા અનાજનો હક છીનવી રહી છે. આ કાર્યવાહી સીધી રીતે ગરીબ, મધ્યમવર્ગીય અને આદિવાસી પરિવારોને નિશાન બનાવી રહી છે. આ વેળાએ કોંગી આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની નીતિ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ આવેદનપત્ર દ્વારા કોંગ્રેસે સરકારને ચેતવણી આપી છે, કે જો આ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. કોંગ્રેસે માંગ કરી છે, કે સરકાર તાત્કાલિક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની ચિંતા કરે અને તેમને યોગ્ય રાશન પૂરું પાડે.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા


