મૂડીઝ એનાલિટિક્સના ચીફ ઇકોનોમિસ્ટ માર્ક ઝેન્ડીએ અમેરિકન અર્થતંત્ર મંદીની ગર્તામાં સરવાને આરે હોવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાનું અર્થતંત્ર મંદીની ગર્તામાં ડૂબવાની નજીક છે. જો કે મંદીની આગાહી વચ્ચે પણ તેમણે ટેક પ્રોફેશનલ્સને રાહત આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એઆઈમાં આવેલી તેજી ટેક પ્રોફેશનલ્સની જોબ ફક્ત ટકાવી જ નહીં રાખે તેમા તેજી પણ જોવા મળશે.
ઝેન્ડીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી શ્રેણીબદ્ધ પોસ્ટમાં જણાવ્યું હતું કે ગયા સપ્તાહે જારી કરવામાં આવેલો આર્થિક આંકડા સૂચવે છે કે અમેરિકન અર્થતંત્ર પર મંદી ઝળુંબી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે ગ્રાહક ખર્ચના આંકડા સ્થિર છે, બાંધકામ અને ઉત્પાદન ક્ષેત્રના આંકડા સંકોચાઈ રહ્યા છે, રોજગારમાં ઘટાડો નોંધાયો છે. ફુગાવો વધી રહ્યો છે. આ સંજોગોમાં ફેડ માટે મદદ કરવી પણ અત્યંત અઘરી છે.
ેતેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજી સેક્ટર અને ટેક પ્રોફેશનલ્સને બચાવતા અનેક પરિબળો છે. તેમા એઆઈની જારી રહેેલી અવિરત માંગ અને સમગ્ર ઉદ્યોગમાં ઓટોમેશન ટૂલ્સની માંગના કારણ ટેક પ્રોફેશનલ્સને મંદી વચ્ચે પણ રાહત રહેશે. આ સિવાયના અન્ય પરિબળોમાં ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સાઇબર સિક્યોરિટીમાં મજબૂત રોકાણ, વૈશ્વિક હાયરિંગમાં સ્થિતિસ્થાપક અભિગમના કારણે કંપનીઓને અમેરિકા સિવાયની પ્રતિભાઓને આકર્ષવાની મળતી તક, સરકાર અને કંપનીઓ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પાછળ થતો જંગી ખર્ચ મંદીના સંજોગોમાં પણ યથાવત્ છે. આના કારણ ટેક સેક્ટર ગણ્યાગાંઠયા એવા ક્ષેત્રોમાં એક હશે જેની ઉત્પાદકતામાં વધારો થશે.
તેની સાથે ઝેન્ડીએ ચેતવણી આપી હતી કે પ્રતિબંધાત્મક ઇમિગ્રેશન નીતિઓ ટેક સેક્ટરને ફટકો મારી શકે છે. તેમણે નીતિગત ઘડવૈયાઓને વિનંતી કરી હતી કે એઆઈ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, અને ડેટા સાયન્સમાં વૈશ્વિક પ્રતિભાઓને લેવામાં ઇમિગ્રેશન નીતિ આડે ન આવવી જોઈએ. તેમણે આજે અમેરિકન અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યુ છે તેના માટે ટેરિફ અને ઇમિગ્રેશન નીતિઓના જવાબદાર ગણાવી હતી. તેમનું કહેવું છે કે ટેરિફના કારણ અમેરિકન કંપનીઓના નફામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને અમેરિકન ગ્રાહકની ખરીદશક્તિ ઘટી છે. ઓછા ઇમિગ્રન્ટ કામદારોનો અર્થ અર્થતંત્ર નાનું થવું તેવો થાય છે, એમ ઝેન્ડીએ ઉમેર્યુ હતું


